<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

છત્તીસગઢના ચર્ચિત ઝીરામ ખીણ હત્યાકાંડમાં NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૧૦ નક્સલીઓને ફાંસીની સજા!

કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા' પર હુમલો કરી ૩૨ લોકોની નૃશંસ હત્યા કરનારા ૧૦ દોષિત માઓવાદીઓને મૃત્યુદંડ: જગદલપુરની વિશેષ અદાલતે સંભળાવ્યો આકરો ચુકાદો

જગદલપુર : છત્તીસગઢના ઈતિહાસના સૌથી ભયાનક અને ચર્ચિત ઝીરામ ખીણ હત્યાકાંડ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની વિશેષ અદાલતે આજે બુધવારે સાંજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ અજય સિંહ રાજપૂતે આ કેસમાં દોષિત ઠરેલા ૧૦ માઓવાદીઓને મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી છે. ચુકાદા સમયે તમામ દોષિતોના સગા-સંબંધીઓ જગદલપુર કોર્ટ પરિસરની બહાર હાજર રહ્યા હતા.

 

૫ સપ્ટેમ્બરે દોષિત જાહેર કરાયેલા ૧૦ નક્સલીઓને ફાંસી

 

સ્પેશિયલ કોર્ટે ગત ૫ સપ્ટેમ્બરના રોજ પોતાના ચુકાદામાં ૧૦ માઓવાદીઓને સાત ગંભીર આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ફાંસીની સજા પામેલા દોષિતોમાં પ્રમિલા મોદીમ, સુમિત્રા પુનેમ, મુક્કા માંડવી, મડકામી દેવા, કોસા કવાસી, આયત માર્કમ, બંજમી સેના, ચૈતુ લેકમ, જોગા મડકામી અને મહાદેવ નાગાનો સમાવેશ થાય છે. આ તમામ દોષિતો હાલ જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.

 

૨૦૧૩નો એ કાળો દિવસ: કોંગ્રેસની પરિવર્તન યાત્રા લોહીલુહાણ થઈ હતી

 

૨૫ મે, ૨૦૧૩ ના રોજ બસ્તરના દરભા પ્રદેશમાં આવેલી ઝીરામ ખીણમાં માઓવાદીઓએ કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા'ના કાફલા પર અચાનક આત્મઘાતી અને ઘાતક હુમલો કર્યો હતો. આ ભયાનક નરસંહારમાં ૩૨ લોકોના કરુણ મોત થયા હતા.

 

આ હુમલામાં છત્તીસગઢના તત્કાલીન વિપક્ષી નેતા અને 'સલવા જુડૂમ'ના પ્રણેતા મહેન્દ્ર કર્મા, તત્કાલીન રાજ્ય કોંગ્રેસ પ્રમુખ નંદ કુમાર પટેલ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લા, ભૂતપૂર્વ ધારાસભ્ય ઉદય મુદલિયાર અને યોગેન્દ્ર શર્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓ, સુરક્ષાકર્મીઓ તેમજ નિર્દોષ લોકો શહીદ થયા હતા. આ ચુકાદાથી પીડિત પરિવારોને ૧૩ વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે.

(5:52 PM IST)