<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામિયામાં વિદ્યાર્થી શક્તિનો ઐતિહાસિક વિજય: ૨૦ વર્ષ બાદ પુનઃસ્થાપિત થશે વિદ્યાર્થી સંઘ : જીતની ખુશીમાં ગુંજી ઉઠ્યું કેમ્પસ!

૧૮ દિવસની ભૂખ હડતાળ અને આંદોલન આગળ યુનિવર્સિટી વહીવટીતંત્ર ઝૂક્યું : ૧૫ મે ૨૦૨૭ સુધીમાં નવું બંધારણ બનશે અને ઓગસ્ટ ૨૦૨૭માં યોજાશે ચૂંટણી : તમામ શિસ્તભંગના પગલાં પાછા ખેંચાયા

નવી દિલ્હી:   જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં છેલ્લા ૧૮ દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનનો આખરે સુખદ અને ઐતિહાસિક અંત આવ્યો છે. છેલ્લા બે દાયકાથી બંધ પડેલા વિદ્યાર્થી સંઘને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ આગળ યુનિવર્સિટી વહીવટીતંત્રે નમતું મૂકવું પડ્યું છે. વહીવટીતંત્રે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ૧૫ મે, ૨૦૨૭ સુધીમાં નવા વિદ્યાર્થી સંઘના બંધારણનો મુસદ્દો તૈયાર કરી દેવામાં આવશે અને આગામી શૈક્ષણિક સત્ર શરૂ થયાના છ અઠવાડિયાની અંદર, એટલે કે ઓગસ્ટ ૨૦૨૭ના અંત સુધીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત થતાં જ આંદોલનકારી વિદ્યાર્થીઓએ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.

યુનિવર્સિટી વહીવટીતંત્રે વિદ્યાર્થીઓની તમામ મુખ્ય માંગણીઓ સ્વીકારીને મોટી રાહત આપી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે લેવામાં આવેલા તમામ શિસ્તભંગના પગલાં અને કેમ્પસ પર મૂકાયેલા તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્રની આ જાહેરાત બાદ જામિયા કેમ્પસમાં વિજયનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ગેટ નંબર ૭ નજીક ગુલિસ્તાન-એ-ગાલિબ સામે એકઠા થયેલા સેંકડો વિદ્યાર્થીઓ ઢોલ-નગારાના તાલે નાચતા અને વિજયના નારા લગાવતા જોવા મળ્યા હતા. અબીન અને રેહાન સહિતના હડતાળી વિદ્યાર્થીઓએ પારણાં કરીને આંદોલનનો વિજયી ઉકેલ લાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા ઇસ્લામિયામાં માર્ચ ૨૦૦૬માં થયેલી હિંસા બાદ યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થી સંઘ ને વિસર્જન કરી દીધું હતું અને ત્યારથી એટલે કે છેલ્લા ૨૦ વર્ષથી અહીં ચૂંટણીઓ યોજાઈ નહોતી. સંયોગવશાત, યુનિવર્સિટી જ્યારે પોતાનો ૧૦૬મો સ્થાપના દિવસ ઉજવી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓએ "ઇન્કિલબી મેળા" તરીકે આ દિવસની ઉજવણી કરીને લોકશાહી અધિકારો પુનઃપ્રાપ્ત કર્યા છે. જોકે, કેમ્પસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડ અંગે દિલ્હી પોલીસે જામિયા વહીવટીતંત્રની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધીને કાનૂની કાર્યવાહી પણ ચાલુ રાખી છે.

(10:44 PM IST)