<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ન્યાયતંત્રનો ઐતિહાસિક ચાબખો: આર્મી ચીફ અને સંરક્ષણ સચિવના પગારમાંથી દંડની રકમ કાપવા હાઈકોર્ટનો આદેશ, નિવૃત્ત મેજરના પેન્શન મુદ્દે કડક વલણ

કોર્ટના આદેશની અવગણના ભારે પડી: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને રાજેશ કુમાર સિંહ પર ₹2 લાખનો ફટકાર્યો દંડ, અપંગતા પેન્શન રોકી રાખતા અવમાનનાની અરજીમાં મોટી કાર્યવાહી

ચંડીગઢ : દેશની ન્યાયિક પ્રણાલીમાં અત્યંત વિરલ કહી શકાય તેવા એક કિસ્સામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ભારતીય સેનાના વડા અને સંરક્ષણ સચિવ વિરુદ્ધ આકરા પગલાં લીધા છે. નિવૃત્ત મેજર રાજદીપ દિનકર પાંડેરના અપંગતા પેન્શનના કેસમાં વારંવાર કોર્ટ અને ટ્રિબ્યુનલના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હાઈકોર્ટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ પર ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ સુદિપ્તિ શર્માએ આદેશ આપ્યો છે કે આ રકમ બંને ઉચ્ચ અધિકારીઓના વ્યક્તિગત પગારમાંથી કાપીને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા સીધી અરજદાર નિવૃત્ત મેજરને ચૂકવવામાં આવે.

આ કાયદાકીય જંગની શરૂઆત ત્યારે થઈ જ્યારે વર્ષ 2012 માં સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં સેનામાં જોડાયેલા મેજર પાંડેર લદ્દાખ જેવા ઊંચાઈવાળા વિસ્તારમાં ફરજ દરમિયાન ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા. તેમને પેશાબના ચેપ અને મૂત્રાશયમાં ગઠ્ઠા થવાને કારણે 24 જેટલી સર્જરીઓ કરાવવી પડી હતી, જેના પરિણામે તેમની કિડનીને ગંભીર નુકસાન થયું હતું. જોકે, આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે તેમને અપંગતા પેન્શન આપવા ભલામણ કરી હોવા છતાં અને હાઈકોર્ટે પણ કેન્દ્રની અરજી ફગાવી દીધી હોવા છતાં, અધિકારીઓએ આ હુકમનો અમલ કરવામાં નિષ્કાળજી દાખવી હતી, જેને અદાલતે ગંભીર અવમાનના ગણાવી છે.

30 એપ્રિલના રોજ આ મામલે ચુકાદો આપતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અંતિમ સુનાવણી દરમિયાન પણ કોઈ સંતોષકારક જવાબ રજૂ ન થતા આ દંડ લાદવો અનિવાર્ય બન્યો છે. ટ્રિબ્યુનલે અગાઉ નોંધ્યું હતું કે મેજરને સેવામાંથી મુક્ત કરતી વખતે તેમની 15% અપંગતાને લશ્કરી સેવા સાથે સંબંધિત ન હોવાનું કહેવું અતાર્કિક હતું. આ ચુકાદો નિવૃત્ત સૈનિકોના અધિકારો અને ન્યાયિક આદેશોની ગરિમા જાળવવા માટે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. હવે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવે કોર્ટના કડક વલણને પગલે અરજદારને ન્યાય અપાવવાની દિશામાં તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે.

(12:57 PM IST)