<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

જમીન પચાવી પાડવા હિસ્‍ટ્રીશીટરે બે સાધુઓને ખાટલા સાથે બાંધી જીવતા સળગાવી દીધા!

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં શિવ મંદિરની અંદર બે સાધુઓની હત્‍યા

લખનઉ,તા.૧: તાજેતરમાં જ રાજસ્‍થાનમાં સાધુઓની હત્‍યાના બનાવોએ ખૂબ જ ચર્ચા જગાવી હતી, ત્‍યારે હવે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં શિવ મંદિરની અંદર બે સાધુઓની હત્‍યા કરી દેવામાં આવી છે. હત્‍યા કર્યા બાદ લાકડાઓની ચિતા જગાવીને બંને સાધુઓના મૃતદેહને સળગાવી દેવામાં આવ્‍યા હતા. સવારે જ્‍યારે ગામ લોકોએ મંદિરમાં ધુમાડો ઉઠતાં જોયો ત્‍યારે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. તે સમયે એક સાધુનો મૃતદેહ બળી રહ્યો હતો અને એકનો બળીને કંકાલ બની ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ હત્‍યાકાંડ પાછળ મંદિરની જમીન પર કબજો કરવાનો વિવાદ મુખ્‍ય કારણ હોવાનું માનવામાં આવે છે. એવો આરોપ છે કે આ મંદિર આરોપી સુમિત સિહના પરિવારની જમીન પર બનેલું છે અને તે આ જમીન પચાવી પાડવા માંગતો હતો, જ્‍યારે મંદિરમાં રહેતા આ બંને વૃદ્ધો તેની દેખભાળ કરતા હતા જે વિવાદનું મૂળ હતું. બુધવારે રાત્રે સુમિતે પહેલા ગામમાં ફરતા ફરતા કાલ સિહ સ્‍થાન પર લાઈટો તોડી હતી અને ત્‍યારબાદ હનુમાન મંદિરે પહોંચીને બંને વૃદ્ધો સાથે મારઝૂડ કરી હતી. ત્‍યારબાદ તેણે બંનેને અલગ-અલગ ખાટલા સાથે બાંધી, આસપાસથી લાકડા ભેગા કરી આગ ચાંપી દીધી હતી.

સ્‍થાનિક ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર, મુખ્‍ય આરોપી સુમિત સિહ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને તે આશરે બે મહિના પહેલા જ જેલમાંથી છૂટીને બહાર આવ્‍યો હતો. તેના વિરુદ્ધ અગાઉ એસસી-એસટી એક્‍ટ અને કાર સળગાવવા સહિતના અનેક કેસો નોંધાયેલા છે. તે અગાઉ પણ આગચંપીની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાના આરોપો છે અને તેના પિતા પણ હિસ્‍ટ્રીશીટર હોવાનું કહેવાય છે.

 જોકે, તેના ગુનાહિત ઇતિહાસ અને હત્‍યા પાછળના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

(3:23 PM IST)