<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

બ્લડ બેંકની ભયાનક લાપરવાહીમાં માસૂમ બાળકોના લોહીમાં ભળ્યું HIVનું ઝેર: છ મહિનાની લાંબી કાનૂની લડાઈ બાદ અંતે પૂર્વ સ્ટાફની ધરપકડ

થેલેસેમિયાની સારવાર કરાવતા પાંચ સગીરોને ચેપગ્રસ્ત રક્ત ચડાવી દેવાના કાંડમાં હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર સફાળું જાગ્યું, હોસ્પિટલના જવાબદારોની ગુનાહિત ભૂલે પાંચ પરિવારોના ચિરાગને અંધકારમાં ધકેલ્યા હોવાના આક્ષેપ સાથે ખળભળાટ

ચૈબાસા:ઝારખંડના ચૈબાસામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સદર હોસ્પિટલની બ્લડ બેંકની ઘોર બેદરકારીને કારણે પાંચ થેલેસેમિયાગ્રસ્ત બાળકો HIVનો શિકાર બન્યા છે. ઓક્ટોબર 2025માં બનેલી આ ઘટનામાં, નિયમિત રક્ત પરિવહન માટે આવતા માસૂમ બાળકોને કોઈપણ પ્રકારના ચકાસણી વિનાનું ચેપગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક બાળકની તબિયત લથડતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે બાદ આરોગ્ય વિભાગની તપાસમાં અન્ય ચાર બાળકો પણ આ જીવલેણ વાયરસની ઝપેટમાં હોવાનું ખુલતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ ચોંકાવનારા કાંડમાં લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા પીડિત પરિવારોએ ન્યાય માટે ઝારખંડ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલાની ગંભીરતાની નોંધ લેતા અવલોકન કર્યું હતું કે બ્લડ બેંકના જવાબદારો દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય માત્ર ભૂલ નથી પરંતુ ગુનાહિત બેદરકારી છે જેણે માસૂમોના જીવન જોખમમાં મૂક્યા છે. કોર્ટના આકરા વલણ અને નિર્દેશો બાદ પોલીસે રવિવારે આ કેસમાં બ્લડ બેંકના પૂર્વ સ્ટાફની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જેનાથી આ કેસમાં હવે મોટા ખુલાસા થવાની સંભાવના છે.

પીડિત બાળકોના વાલીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જે સંસ્થા પર લોકો જીવ બચાવવાનો ભરોસો રાખે છે ત્યાંથી જ તેમના બાળકોને મોતનું પેકેટ આપવામાં આવ્યું છે. આરોગ્ય સેવાઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું છે કે બ્લડ ટેસ્ટિંગ અને સ્ક્રિનિંગની પ્રક્રિયામાં મોટાપાયે ધાંધિયા કરવામાં આવ્યા હતા. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને આ પાપમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગેની તપાસ પણ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યની આરોગ્ય વ્યવસ્થા અને બ્લડ બેંકોની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(3:31 PM IST)