News of Thursday, 16th July 2026
હોકી ઇન્ડિયામાં જાતીય સતામણીના આરોપોથી હડકંપ: રમતગમત મંત્રાલય એક્શનમાં, પૂર્વ કેપ્ટન અસુન્તા લાકરાની ફરિયાદ બાદ IOAને 'સ્વતંત્ર પેનલ' બનાવવાનો આદેશ
જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહ પર ડરાવવા-ધમકાવવાના ગંભીર આક્ષેપો; નિષ્પક્ષતા જાળવવા ખુદ હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ મંત્રાલયને પત્ર લખી તટસ્થ તપાસની કરી હતી માંગ

નવી દિલ્હી : ભારતીય રમતજગતમાં ફરી એકવાર જાતીય સતામણી અને સત્તાના દુરુપયોગનો અત્યંત ગંભીર મામલો સામે આવતા સળવળાટ મચી ગયો છે. ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન, રાષ્ટ્રીય પસંદગીકાર અને હોકી ઇન્ડિયા (HI) ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય અસુન્તા લાકરા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ કેન્દ્રીય રમતગમત મંત્રાલયે આજે મોટો અને કડક નિર્ણય લીધો છે. રમતગમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય અને સંપૂર્ણપણે તટસ્થ (સ્વતંત્ર) તપાસ પેનલ બનાવવાનો આદેશ આપ્યો છે.
હોકીમાં મહિલા ખેલાડીઓની સતામણીનું સંસ્થાકીય રક્ષણ?
અસુન્તા લાકરાએ રમતગમત મંત્રાલય સમક્ષ લેખિતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતા હોકી ક્ષેત્રમાં મહિલા ખેલાડીઓની જાતીય સતામણી, ધાકધમકી અને પીડિતતાના સંસ્થાકીય રક્ષણનો સળગતો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે હોકી ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહ પર હોદ્દાનો દુરુપયોગ કરીને ડરાવવાનો અને માનસિક રીતે હેરાન કરવાનો સીધો આક્ષેપ કર્યો છે. મંત્રાલયના આધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે હોકી ઇન્ડિયા પાસે પણ તાત્કાલિક અસરથી સત્તાવાર સ્પષ્ટતા માંગવામાં આવી છે.
પ્રમુખ દિલીપ તિર્કીએ કેમ માંગી બહારની એજન્સી પાસે તપાસ?
આ સમગ્ર વિવાદમાં હોકી ઇન્ડિયાના પ્રમુખ અને પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ તિર્કીએ અત્યંત પ્રશંસનીય અને પારદર્શક વલણ અપનાવ્યું છે. તિર્કીએ ગઈકાલે (બુધવારે) જ રમતગમત મંત્રાલયને એક ઈમેઈલ લખીને વિનંતી કરી હતી કે આ કેસની તપાસ હોકી ઇન્ડિયાની પોતાની 'આંતરિક ફરિયાદ સમિતિ' (ICC) પાસે ન કરાવવામાં આવે.
દિલીપ તિર્કીએ સ્પષ્ટ કર્યું હતું કે:
"આરોપો ખૂબ જ ગંભીર છે અને તેમાં સંસ્થાના ઉચ્ચ વરિષ્ઠ પદાધિકારીઓ સામેલ છે. જો અમારી પોતાની કમિટી આની તપાસ કરશે, તો તેની નિષ્પક્ષતા અને પારદર્શકતા પર સવાલો ઉઠી શકે છે. તેથી, પીડિતને ન્યાય મળે અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી થાય તે માટે હોકી ઇન્ડિયા સાથે બિલકુલ સંબંધ ન ધરાવતી બહારની વ્યક્તિઓની બનેલી સ્વતંત્ર સમિતિની રચના થવી અનિવાર્ય છે."
એક્ઝિક્યુટિવ બોર્ડને કડક ગુપ્તતા જાળવવા આદેશ
આ આદેશ બાદ હોકી ઇન્ડિયાના પ્રમુખે એક્ઝિક્યુટિવ બોર્ડના તમામ સભ્યોને પત્ર લખીને આ કેસ અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવા તાકીદ કરી છે. ફરિયાદી (અસુન્તા લાકરા) અને પ્રતિવાદી (ભોલાનાથ સિંહ) બંને બોર્ડના સભ્યો હોવાથી, બોર્ડના કોઈ પણ સભ્યને તપાસને પ્રભાવિત કરી શકે તેવા કોઈ પણ નિવેદનો કે સંદેશાવ્યવહારથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. તિર્કીએ મંત્રાલયને ખાતરી આપી છે કે હોકી ઇન્ડિયા નવી પ્રસ્તાવિત તપાસ પેનલને દરેક સ્તરે સંપૂર્ણ સહયોગ આપશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
