<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મથુરાની કૃષ્ણભૂમિમાં પવિત્ર ભારત સ્વસ્તિક યાત્રા રામકથાનું ગાન : પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં સૌ રાસ-ગરબે ઝૂમ્યા

વ્રજભૂમિમાં મંગળકારી શુકનોનું મહાત્મ્ય વર્ણવતા પૂ. બાપુએ કૃષ્ણભૂમિમાં રામકથાના ઔચિત્ય અંગે કરી સુંદર ચર્ચા : શ્રોતાઓએ યમુના સ્નાન અને દર્શનનો લાભ લઈ કુરુક્ષેત્ર તરફ પ્રસ્થાન કર્યું

ઈશ્વરિયા, તા. ૧૭ ઓક્ટોબર - સનાતન ઉપક્રમ અંતર્ગત ચાલી રહેલી 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા પોતાની દિવ્ય સફર ખેડતી ખેડતી ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે પહોંચી છે. કથાયાત્રાના આઠમા દિવસે વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યા હોવાનો દિવ્ય ભાવ વ્યક્ત કરતા પૂ. મોરારિબાપુના વ્યાસાસનેથી રામકથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. 'મંગલ ભવન અમંગલ હારી...' ચોપાઈને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલા આ કથાગાનમાં ગુજરાત તેમજ દેશ-વિદેશમાંથી આવેલા મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો જોડાયા હતા.

શુકનનું મહાત્મ્ય અને કૃષ્ણભૂમિમાં રામકથાનું ઔચિત્ય:
આજની કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ આ પવિત્ર ભૂમિ અને કથા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીને જીવનમાં ૧૨ મંગળકારી શુકનોનું મહાત્મ્ય વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. જેમાં નીલકંઠ પક્ષી, કાગડો, નોળિયો, મંદ શીતલ વાયુ, શ્રેષ્ઠ માતૃશક્તિ, શિયાળ, ગાયમાતા, મૃગ સમૂહ, સમળી, કાળી ચકલી, દહીં, માછલી અને પ્રવિણ વિપ્રનો સમાવેશ થાય છે. આ તમામ શુકનો સ્વસ્તિક યાત્રામાં પણ રહ્યા હોવાનો ઉલ્લેખ પૂ. બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ સાથે "કૃષ્ણભૂમિમાં રામકથા ગાન શા માટે?" તેવો સવાલ ઉઠાવીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વજન્મની ગાથા સાથે સંબંધ હોવાના કારણે શ્રી કૃષ્ણના આ પવિત્ર સ્થાન પર રામકથા યોજવી સર્વથા ઉચિત છે.

રાસ-ગરબાની રમઝટ અને આગામી પ્રસ્થાન:
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં યોજાયેલી આ રામકથા દરમિયાન ખુદ પૂ. મોરારિબાપુ સહિત ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને ભક્તો ઉત્સાહભેર રાસ-ગરબે ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત મંગળકારી અને ભક્તિમય બની ગયું હતું. રેલયાત્રા કથામાં જોડાયેલા તમામ ભાવિકોએ શનિવારે શ્રી કૃષ્ણ જન્મસ્થાનના દર્શન તેમજ પવિત્ર યમુના સ્નાનનો લહાવો લીધો હતો. ત્યારબાદ આ ભવ્ય કથાયાત્રાએ રવિવારના આગામી પડાવ માટે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થાન તરફ પ્રસ્થાન કર્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(2:49 PM IST)