તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
હની સિંહની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો: ચોથા સમન્સ બાદ મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ થયા હાજર!
દિલ્હી કોન્સર્ટ વિવાદમાં વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ પોલીસની કડકાઈ: અગાઉ ત્રણ સમન્સ પર વિદેશ પ્રવાસનું બહાનું ધરી હાજર રહેવાનું ટાળનાર હની સિંહને 22 ઓક્ટોબર સુધીનો સમય આપવાનો સાયબર સેલે સ્પષ્ટ ઈનકાર

નવી દિલ્હી: લોકપ્રિય ગાયક અને રેપર યો યો હની સિંહની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક લાઈવ કોન્સર્ટ દરમિયાન કથિત રીતે વાંધાજનક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાના મામલે મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ સાયબર સેલ દ્વારા હની સિંહને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ દર વખતે તેઓ વિદેશમાં હોવાનું કારણ ધરીને હાજર રહેવાનું ટાળતા રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને સાયબર સેલે ગત ૧૪ ઓક્ટોબરે ચોથું સમન્સ જારી કરીને આજે, ૧૬ ઓક્ટોબરે ફરજિયાતપણે અધિકારીઓ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
ચોથું સમન્સ મળ્યા બાદ હની સિંહની કાનૂની ટીમ દ્વારા તપાસ અધિકારીઓ પાસે પૂછપરછ માટે ૨૨ ઓક્ટોબર સુધીનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે, તપાસ અધિકારીઓએ વધારાનો સમય આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને કડક વલણ અપનાવતા ૧૬ ઓક્ટોબરે જ હાજર રહેવા તાકીદ કરી હતી. જેના પગલે આખરે ગાયકને સાયબર સેલ સમક્ષ હાજર થઈને પૂછપરછમાં ભાગ લેવાની ફરજ પડી હતી. સાયબર સેલના અધિકારીઓ દ્વારા દિલ્હી કોન્સર્ટ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓ અને તેના વાંધાજનક પાસાઓ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે યો યો હની સિંહનો કાનૂની વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. અગાઉ આ વર્ષના એપ્રિલ મહિનામાં દિલ્હી હાઈકોર્ટે વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલા હની સિંહ અને બાદશાહના પ્રારંભિક ટ્રેક "વોલ્યુમ 1" સામે કડક વલણ અપનાવ્યું હતું. 'હિન્દુ શક્તિ દળ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે હની સિંહે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટ દરમિયાન આ વિવાદાસ્પદ અને અભદ્ર ગીતની પંક્તિઓ ગાયી હતી, જેને અદાલતે મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઈન્ટરનેટ પરથી તમામ URL તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો હતો. તાજેતરના સાયબર સેલના સમન્સ અને પૂછપરછને કારણે હની સિંહની મુશ્કેલીઓમાં વધુ ઘેરાવ આવ્યો છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
