તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
હનીમૂન હત્યાકાંડ: 'કાતિલ' પત્ની જેલની બહાર, શિલોંગની ખીણમાં ધરબાયેલા રહસ્યો ફરી ગાજશે
લગ્નના 10 જ દિવસમાં હનીમૂન પર ગયેલા પતિની રહસ્યમય હત્યાના કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને 10 મહિના બાદ મળ્યા જામીન - ન્યાયની આશામાં બેઠેલા રાજા રઘુવંશીના પરિવારમાં ફરી છવાયો માતમ અને આક્રોશ

શિલોંગ: રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. મેઘાલયની શિલોંગ જેલમાં છેલ્લા 10 મહિનાથી સળિયા ગણી રહેલી મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને કોર્ટે જામીન આપતા તે મુક્ત થવા જઈ રહી છે. લગ્નના પવિત્ર બંધનને હનીમૂન દરમિયાન જ લોહીથી રંગી નાખનાર આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જોકે, જામીનના વિગતવાર આદેશની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ સોનમની જેલમુક્તિએ કાયદાકીય લડતને એક નવા મોડ પર લાવી દીધી છે.
ઘટનાની યાદો તાજી કરતા રૂંવાડા ઉભા થઈ જાય છે. 11 મે, 2025ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલું આ યુગલ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યું હતું, જ્યાંથી તેઓ રહસ્યમય રીતે ગાયબ થયા હતા. ઘણા દિવસોની શોધખોળ બાદ રાજાનો ક્ષત-વિક્ષત મૃતદેહ શિલોંગની ઊંડી ખીણમાંથી મળી આવતા હનીમૂનની ખુશીઓ મરણચીસોમાં ફેરવાઈ ગઈ હતી. તપાસના તાર સોનમ તરફ વળતા પોલીસે 9 જૂન, 2025ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને શિલોંગ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવી હતી.
સોનમના જામીન મળતા જ મૃતક રાજા રઘુવંશીના પરિવારમાં નિરાશા અને ભયનો માહોલ છે. પરિવારનું માનવું છે કે પુરાવાઓ હોવા છતાં મુખ્ય આરોપીનું બહાર આવવું તપાસને અસર કરી શકે છે. હવે સૌની નજર પોલીસ અને ફરિયાદ પક્ષની આગામી રણનીતિ પર છે કે શું તેઓ આ જામીનને ઉપલી અદાલતમાં પડકારશે? આ કેસમાં હજુ પણ એવા ઘણા રહસ્યો છે જે ખીણની ઊંડાઈમાં દટાયેલા છે, જે સોનમની મુક્તિ બાદ ફરી સપાટી પર આવે તેવી શક્યતા છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
