<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

હનીમૂન મર્ડર મિસ્‍ટ્રીઃ સોનમ રઘુવંશીના જામીન રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મેઘાલય સરકારની અરજી પર કોર્ટે નોટિસ ફટકારીઃ આગામી ગુરુવારે વધુ સુનાવણી

નવી દિલ્‍હી, તા.૩: મેઘાલયના શિલોંગમાં હનીમૂન દરમિયાન ઇન્‍દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની પૂર્વ આયોજિત હત્‍યાના હૃદયદ્રાવક કેસમાં મુખ્‍ય આરોપી પત્‍ની સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્‍ટિસ એમ.એમ. સુંદરેશ અને શીલ નાગુની બેન્‍ચે મેઘાલય હાઇકોર્ટ દ્વારા સોનમને અપાયેલા જામીન પર તુરંત રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે મેઘાલય સરકારની અરજી પર સોનમને નોટિસ પાઠવી છે અને આગામી ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

સુનાવણી દરમિયાન મેઘાલય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઇકોર્ટના નિર્ણય પર આકરા સવાલો ઉઠાવ્‍યા હતા. તેમણે કોર્ટને જણાવ્‍યું કે જે ન્‍યાયાધીશે અગાઉ ત્રણ વખત સોનમની જામીન અરજી ફગાવી દીધી હતી, તેમણે જ પૂરક ચાર્જશીટ દાખલ થયા બાદ ચોથી વખતમાં કયા આધારે જામીન આપી દીધા? સરકારી પક્ષે દલીલ કરી હતી કે આ કોઈ સામાન્‍ય ગુનો નથી પરંતુ પત્‍ની દ્વારા ત્રણ હુમલાખોરો સાથે મળીને તેના પતિની ક્રૂરતાપૂર્વક હત્‍યા કરવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર હતું.

આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની વિગત એવી છે કે મે ૨૦૨૫માં ઇન્‍દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના લગ્ન સોનમ સાથે થયા હતા. સોનમ તેના પ્રેમી રાજ કુશવાહા સાથે સંબંધમાં હોવાથી, તેણે પતિને રસ્‍તામાંથી હટાવવા હનીમૂનનું બહાનું બનાવ્‍યું હતું. તે પતિને શિલોંગના પહાડી વિસ્‍તારમાં લઈ ગઈ, જ્‍યાં પ્‍લાન મુજબ રાજાની હત્‍યા કરી તેની લાશને ખાડામાં ફેંકી દેવાઈ હતી. પોલીસે આ કેસમાં સોનમ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી, જેમાં હાલ સુપ્રીમ કોર્ટે ટ્રાયલની પ્રગતિ જોયા બાદ જ કોઈ આકરો નિર્ણય લેવાનું વલણ અપનાવ્‍યું છે.

(3:45 PM IST)