News of Monday, 25th May 2026
ભારત-કેનેડા સંબંધોમાં નવા સૂર્યોદયની આશા: 'શત્રુતા' ના વાદળો દૂર થતાં પિયુષ ગોયલની ઐતિહાસિક મુલાકાત ખોલશે આર્થિક વિકાસના નવા દ્વાર!
વ્યાપારિક સંબંધોમાં 'બ્રેકથ્રુ': ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ ભૂલીને મૈત્રીપૂર્ણ નવા તબક્કાની શરૂઆત, 100 થી વધુ ઉદ્યોગપતિઓ સાથે મંત્રીની મુલાકાત બનશે આર્થિક એન્જિન!

ઓટાવા : લાંબા સમયના તણાવ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં હવે એક અત્યંત સકારાત્મક વળાંક જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો હવે 'શત્રુતાપૂર્ણ' તબક્કામાંથી બહાર આવીને 'ખૂબ જ મૈત્રીપૂર્ણ' સ્તર પર પહોંચી ગયા છે. કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે ભૂતકાળની તમામ કડવાશને પાછળ છોડીને બંને દેશો હવે ભવિષ્યના વિકાસ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આ પરિવર્તનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની કેનેડા મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ મુલાકાતને ભારત-કેનેડા સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. હાઈ કમિશનરના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનું સૌથી મોટું ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ હશે, જેમાં 100થી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ કેનેડા જશે. આ પ્રતિનિધિમંડળ કેનેડાના પેન્શન ફંડ્સ, બેંકો અને મોટા ઉદ્યોગ જૂથો સાથે સંવાદ સાધીને વ્યાપારિક સંબંધોને નવી ગતિ આપશે.
વ્યાપારિક લક્ષ્ય વિશે વાત કરતા પટનાયકે જણાવ્યું કે, હાલ બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 32 અબજ કેનેડિયન ડોલર છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણો કરીને 2030-31 સુધીમાં 50 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ મુલાકાત દ્વારા પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ને પણ રાજકીય ગતિ મળશે તેવી પૂરી શક્યતા છે. બંને દેશો હવે એકબીજાની સુરક્ષા અને શાંતિ માટે સંવેદનશીલ બની રહ્યા છે, જે આર્થિક ભાગીદારી માટે મજબૂત પાયો બનશે.
સુરક્ષાના મુદ્દે પણ બંને દેશોએ કડક વલણ અપનાવ્યું છે. ખાલિસ્તાની ઉગ્રવાદ અને સંગઠિત ગુનાખોરી જેવી સમસ્યાઓને હવે કેનેડા પણ પોતાની આંતરિક સુરક્ષા માટે ખતરો માની રહ્યું છે. હાઈ કમિશનરના મતે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કેનેડાની સરકારે ઉગ્રવાદી તત્વો પર લગામ કસી છે અને તેમને હાંસિયામાં ધકેલી દીધા છે. સુરક્ષા એજન્સીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નિયમિત સંવાદથી બંને દેશો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભારત અને કેનેડા એકબીજા માટે સુરક્ષિત રહે. આ પરિવર્તન માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ બંને દેશોમાં રહેતા લાખો ભારતીય ડાયસ્પોરા માટે પણ રાહતની વાત છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
