તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની આશાઓ પર ફરી વળ્યું પાણી: નવા નિયમોના બહાને વર્ક પરમિટ આપવાનો ઈનકાર!
IRCC ની ‘નિયમ સ્પષ્ટતા’ થી ૧,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ, વિદ્યાર્થીઓએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

રાજકોટ, તા.૨૨: કેનેડામાં ઉજ્જવળ ભવિષ્યના સપના સેવીને ગયેલા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય સમુદાયના યુવાનો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડાની ફેડરલ ઇમિગ્રેશન સિસ્ટમ (IRCC) દ્વારા પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) આપવાના નિયમોમાં અચાનક કરાયેલી ‘સ્પષ્ટતા’ બાદ સેંકડો ભારતીય સ્નાતકોને વર્ક પરમિટ આપવાનો સાફ ઈનકાર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી આક્રોશાયેલા વિદ્યાર્થીઓએ હવે કેનેડાની ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરી છે અને ઓટાવા સરકાર પાસે આ નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે. એક અંદાજ મુજબ, લગભગ ૧,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ નિર્ણયથી સીધા અસરગ્રસ્ત થયા છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
આ આખોય વિવાદ ૨૪ જૂનના રોજ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા ઓનલાઈન માર્ગદર્શિકામાં કરવામાં આવેલા એક અપડેટથી શરૂ થયો છે. આ અપડેટમાં જણાવાયું હતું કે અમુક ફ્લાઇટ-સ્કૂલ પ્રોગ્રામ્સ સિવાય "નોન-ક્રેડિટ" પ્રોગ્રામ્સના સ્નાતકો PGWP (વર્ક પરમિટ) માટે લાયક ગણાશે નહીં. પરંતુ, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ યોગ્ય કાયદાકીય માન્યતા ધરાવતા કોર્સમાં પ્રવેશ લીધો હતો અને તમામ ટ્યુશન ફી ચૂકવી હતી.
પંજાબની પુત્રી જસપિન્દરની દર્દનાક આપવીતી
અસરગ્રસ્ત વિદ્યાર્થીઓમાં પંજાબની જસપિન્દર કૌર પણ સામેલ છે, જેણે કેલગરીની પોર્ટેજ કોલેજ અને CIOT માંથી બિઝનેસ મેનેજમેન્ટનો ડિપ્લોમા પૂર્ણ કર્યો છે. ૨ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વર્ક પરમિટની આશા રાખતી જસપિન્દરને જ્યારે ઈનકારનો પત્ર મળ્યો ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જસપિન્દરે આઘાત સાથે જણાવ્યું, "મારા પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી અને બચત મારા ભણતર પાછળ ખર્ચી નાખી છે. અભ્યાસ પૂરો કરીને મને આશા હતી કે હું કામ કરીને કેનેડિયન અનુભવ મેળવીશ." તેણે હવે કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની માંગ કરી છે.
રૂ. ૨૦ લાખથી વધુનું રોકાણ અને 'વિશ્વાસઘાત'નો આરોપ
બીજા એક સ્નાતક સુખપ્રીત સિંહના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ બે વર્ષના ટ્યુશન ફી પેટે અંદાજે C$32,000 (આશરે રૂ. ૨૦ લાખથી વધુ) નું રોકાણ કર્યું છે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ તો અલગ છે. વિદ્યાર્થી મુકુલ રાણાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "આ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે સરેઆમ વિશ્વાસઘાત છે. અમે ૧૫ મે, ૨૦૨૪ ની સમયમર્યાદા પહેલા જ નોંધણી કરાવી લીધી હતી. આ માત્ર વહીવટી ભૂલ નથી પણ એક મોટું માનવ સંકટ છે."
કોલેજ અને ઇમિગ્રેશન વિભાગની સામસામે દલીલો
• કોલેજનો પક્ષ: પોર્ટેજ કોલેજે હાથ ઊંચા કરતા જણાવ્યું છે કે વર્ક પરમિટ આપવાનો આખરી નિર્ણય ફક્ત IRCC નો હોય છે. કોલેજે અગાઉ આપેલા પત્રો માત્ર અરજી કરવાની પાત્રતા દર્શાવતા હતા, પરમિટ મંજૂર થવાની ગેરંટી નહીં.
• IRCC નો પક્ષ: બીજી તરફ, IRCC નું કહેવું છે કે નિયમોમાં કોઈ નવો ફેરફાર કરાયો નથી પરંતુ જૂના નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે નોન-ક્રેડિટ પ્રોગ્રામ્સ પહેલેથી જ વર્ક પરમિટની પાત્રતા બહાર હતા.
પોર્ટેજ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ ગઠબંધન બનાવીને કેનેડિયન સરકાર સમક્ષ પેન્ડિંગ અરજીઓ પર રાહત આપવાની અને ન્યાયી નિર્ણય લેવાની જોરદાર માંગ ઉઠાવી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
