<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મુંબઈ મોનોરેલ શરૂ થવાની આશા પર પાણી ફર્યું: દિવાળી પર પણ પ્રવાસીઓને નહીં મળે લહાવો, ટ્રેક નીચે 'સેફ્ટી નેટ' લગાવવામાં લાગશે હજુ વધુ સમય!

સલામતી મંજૂરી મળ્યા છતાં એલિવેટેડ કોરિડોર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કવાયત; ૨૦૧૬ની દુર્ઘટનામાંથી શીખ લઈને MMRDA એ લીધો મોટો નિર્ણય, આંશિક રૂટ પર શરૂ થઈ શકે છે સેવા

મુંબઈ : મુંબઈવાસીઓ માટે લાંબા સમયથી રાહ જોવડાવતી મુંબઈ મોનોરેલ સેવા શરુ થવાને લઈને વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષથી મોનોરેલ સેવા સંપૂર્ણપણે બંધ છે અને તેને સુરક્ષા મંજૂરી મળી ગઈ હોવા છતાં દિવાળી કે નવેમ્બર આસપાસ પણ તે ફરી શરૂ થવાની શક્યતાઓ હવે ધૂંધળી બની રહી છે. એલિવેટેડ ટ્રેક પરથી કોઈ વસ્તુ કે સામાન નીચે રાહદારીઓ કે વાહનો પર ન પડે તે માટે ટ્રેકની નીચે વિશેષ 'સેફ્ટી નેટ' લગાવવાની યોજના પર વિચારણા ચાલી રહી છે, જેના કારણે સેવા પૂર્વવત થવામાં હજુ ૩ થી ૪ મહિનાનો સમય લાગી શકે છે.

 

શું છે સેફ્ટી નેટ લગાવવા પાછળનું મુખ્ય કારણ?

 

મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોનોરેલના એલિવેટેડ ટ્રેક અને રસ્તા વચ્ચે એવી કોઈ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નથી જે ટ્રેક પરથી કોઈ છૂટી વસ્તુને નીચે પડતી અટકાવી શકે. અગાઉ જુલાઈ ૨૦૧૬માં ચેમ્બુરના રામકૃષ્ણ ચેમ્બુરકર રોડ પર મોનોરેલ ટ્રેનનું એક લોડ વ્હીલ તૂટીને સીધું રસ્તા પર ચાલતા વાહનો પર પડ્યું હતું. સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ટ્રેકની નીચે મજબૂત સેફ્ટી નેટ બેસાડવા પર ગંભીર મંથન ચાલી રહ્યું છે.

 

દિવાળી પર માત્ર આંશિક રૂટ પર દોડી શકે છે મોનોરેલ

 

મુંબઈ મોનોરેલ સેવા ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫થી ટેક્નિકલ ખામીઓ અને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવી હતી. સિસ્ટમના ઓવરહોલ અને સિગ્નલિંગ સુધારણા બાદ ૩ જૂનના રોજ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં, નેટ લગાવવાના ટેક્નિકલ પ્રશ્નો અને તેના વ્યાપને લઈને અધિકારીઓ હજુ અવઢવમાં છે. જો કામગીરી ઝડપથી પાર પાડવામાં આવશે તો દિવાળી અથવા નવેમ્બરની શરૂઆતમાં સમગ્ર રૂટને બદલે માત્ર ચેમ્બુરથી વડાલા ડેપો સુધીના ૮.૯૩ કિલોમીટરના આંશિક ભાગમાં જ મોનોરેલ દોડતી થઈ શકે છે, જ્યારે ડિસેમ્બર પહેલા સમગ્ર રૂટ શરૂ થવાની શક્યતા નહિવત્ છે.

 

(8:45 PM IST)