News of Wednesday, 15th April 2026
હોર્મુઝની કટોકટી : અમેરિકાએ પાકિસ્તાની જહાજોને અધવચ્ચેથી ફેરવ્યા
શાંતિ મંત્રણાની પીપૂડી વગાડતા પાકિસ્તાનને મોટો આંચકો

નવી દિલ્હી, તા.૧૫: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ભીંસ વધારી છે. તાજેતરના અહેવાલો અનુસાર, હોર્મુઝ નજીક પહોંચેલા બે પાકિસ્તાની જહાજોને અમેરિકી નૌસેનાએ અટકાવ્યા હતા અને તેમને તુરંત પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. ઈરાને જોકે ૨૦ જેટલા પાકિસ્તાની જહાજોને આ માર્ગે પસાર થવા માટે ‘સ્પેશિયલ પાસ' આપ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અમેરિકાની કડક નાકાબંધી સામે ઈરાનનું સુરક્ષા વચન નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. અમેરિકી દળોના આદેશ બાદ આ જહાજો સંઘર્ષ ટાળવા માટે યુ-ટર્ન લઈને પરત ફર્યા હતા, જે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિ ગણાઈ રહી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ થવાની તૈયારીમાં છે, ત્યારે જ અમેરિકાએ પાકિસ્તાની જહાજોને રસ્તો ન આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની નાકાબંધીમાં કોઈ પણ -કારની છૂટછાટ આપવા તૈયાર નથી. ચીન અને અન્ય દેશોના જહાજો જ્યારે સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાસ પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજોને અટકાવવા તે ઇસ્લામાબાદ માટે રાજદ્વારી સ્તરે એક મોટો ફટકો માનવામાં આવે છે.
પાકિસ્તાનના શિપિંગ મંત્રી જુનૈદ અનવર ચૌધરીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરતા સ્વીકાર્યું છે કે પાકિસ્તાની શિપિંગ સેક્ટર હાલમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર સતત વાટાઘાટો કરી રહી છે, પરંતુ હોર્મુઝમાં સ્થિતિ દર કલાકે બદલાઈ રહી છે. અમેરિકાએ ઓમાનના અખાતમાં ૧૦,૦૦૦ સૈનિકો તૈનાત કરીને લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે, જેના કારણે પાકિસ્તાનના વેપારી જહાજો હવે દરિયામાં અટવાયા છે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે તો પાકિસ્તાનની પહેલેથી જ નબળી આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
