News of Thursday, 26th November 2026
પેટ્રોલિયમ ટેન્કરમાં ભયાનક આગ : ૩૧ લોકો જીવતા ભડથું
આગની લપેટમાં રસ્તા પરનાં અન્ય વાહનો પણ આવી ગયાં :૧૫ અન્ય ઘાયલ

કૈરો : તા.૨૬: ઇજિપ્તના ગીઝા ગવર્નરેટમાં બુધવારે પેટ્રોલિયમ પદાર્થો ભરેલા ટેન્કર ટ્રકમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા ૩૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૫ અન્ય ઘાયલ થયા છે. ઇજિપ્તના આરોગ્ય અને વસ્તી મંત્રાલયે મળત્યુઆંક પ્રાથમિક હોવાનું જણાવી રાહત અને સારવારની કામગીરી ચાલુ હોવાનું કહ્યું છે.
આગ કૈરો નજીક ઇમ્બાબા વિસ્તારના વરાક જિલ્લામાં રિંગ રોડ પર ટનલ નંબર ૧૦ ઉપર લાગી હતી. ઇજિપ્તના પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીનું ટેન્કર રસ્તા પરથી ઉતરી ગયું હતું અને અકસ્માત બાદ તેમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં રસ્તા પરનાં અન્ય વાહનો પણ આવી ગયાં હતાં. અલ અરબિયા ઇજિપ્ત દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં કૈરો નજીક રસ્તા પર અનેક વાહનો આગમાં ઘેરાયેલા જોવા મળ્યાં હતાં. ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે ઊઠતા દેખાયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ૩૯ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલ ૧૫ લોકોને ત્રણ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજિપ્તના રેડ ક્રેસન્ટે પણ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે પોતાની ટીમો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલોમાં મોકલી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મળત્યુઆંક પ્રાથમિક છે અને અધિકારીઓ ઘાયલોને સારવાર પૂરી પાડવા સાથે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
