<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સીરિયામાં બે બસો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માત : 35 નિર્દોષ મુસાફરોના કરૂણ મોત : અનેક ગંભીર

પાલમિરા અને અલ-સુખના વચ્ચેના મુખ્ય હાઇવે પર બે પેસેન્જર બસો સામસામે અથડાતા સર્જાયી દર્દનાક દુર્ઘટના : દમાસ્કસ-દેઇર એઝ-ઝોર રસ્તા પર બચાવ કામગીરી અને રાહત કાર્ય પૂરજોશમાં

દમાસ્કસ :  મધ્ય સીરિયાના વ્યસ્ત હાઇવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે ઝડપી પેસેન્જર બસો વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ઓછામાં ઓછા 35 મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બસોનો કચડઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે ચીસાચીસ તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, આ ભયાનક દુર્ઘટના પાલમિરા અને અલ-સુખના શહેરો વચ્ચે આવેલા દમાસ્કસ-દેઇર એઝ-ઝોર હાઇવે પર બની હતી. આ 400 કિલોમીટર લાંબો મહત્વપૂર્ણ હાઇવે દેશના પૂર્વ ભાગને રાજધાની દમાસ્કસ સાથે જોડે છે, જ્યાં દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. પ્રાથમિક તપાસ મુજબ, ઓવરટેકિંગ અથવા કારચાલકની બેદરકારીના કારણે આ ટક્કર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસોના કાટમાળમાં ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સીરિયન વહીવટીતંત્રે ઘાયલોની ઝડપી સારવાર માટે ઈમરજન્સી જાહેર કરી છે. આ માર્ગ અકસ્માતે સમગ્ર દેશને આઘાતમાં સરી પાડ્યો છે અને મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

(7:34 PM IST)