<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અમેરિકાના કનેક્ટિકટમાં ભયાનક અકસ્માત: નશામાં ધૂત ગેરકાયદેસર પ્રવાસી મહિલાએ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરી પોલીસ અધિકારી અને તેની ગર્લફ્રેન્ડને ફંગોળીને મોતને ઘાટ ઉતાર્યા

મેક્સિકોની મહિલા આરોપી કોર્ટમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડતી નજરે પડી: લિમિટ કરતાં બમણા આલ્કોહોલ સાથે ગાંજાનું સેવન કરી બેફામ કાર ચલાવતા સર્જાયો મહાઅપરાધ

ડેનબરી, તા.30: અમેરિકાના કનેક્ટિકટ રાજ્યમાંથી એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ગેરકાયદેસર સ્થળાંતર કરનારી મહિલાની બેદરકારી અને નશાખોરીને કારણે ડ્યુટી પરના એક પોલીસ અધિકારી અને તેની ગર્લફ્રેન્ડએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 27 વર્ષીય મેલિસા રામિરેઝ નામના મેક્સિકન મૂળની બે બાળકોની માતાએ ગત 13 જુલાઈના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યે ડેનબરી વિસ્તારમાં પોતાની જીપ બેફામ ઝડપે હંકારી હતી. નશામાં ધૂત મેલિસાએ પોતાની કાર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે ચલાવીને બ્રિજપોર્ટ પોલીસ વિભાગના 38 વર્ષીય અધિકારી કૂપર વ્હાઇટસાઇડ અને તેમની 34 વર્ષીય ગર્લફ્રેન્ડ બ્રિટ્ટેની ઇસ્લામીની હાર્લી-ડેવિડસન મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.
પોલીસ અહેવાલો મુજબ, અકસ્માત બાદ ઘટનાસ્થળે લોહીનો મોટો ખાડો જામી ગયો હતો અને પોલીસ અધિકારી વ્હાઇટસાઇડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે હેલ્મેટ ન પહેરેલી બ્રિટ્ટેની ઇસ્લામીનું પણ ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે અકસ્માત મોટરસાયકલ લેનમાં થયો હતો, જે સાબિત કરે છે કે રામિરેઝની ગાડી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે પુષ્ટિ કરી છે કે રામિરેઝ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી અને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા તેની વિરુદ્ધ અટકાયત નોટિસ જારી કરવામાં આવી છે.
ધરપકડ બાદ જ્યારે પોલીસ દ્વારા મેલિસાની પૂછપરછ કરવામાં આવી, ત્યારે શરૂઆતમાં તે હસવા લાગી હતી. પરંતુ મેડિકલ ટેસ્ટમાં તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં લગભગ બમણું એટલે કે 0.14 મળી આવ્યું હતું. આ ઉપરાંત, તેના વાહનમાંથી બીયરની બોટલો અને THC વેપ કારતૂસ પણ મળી આવ્યા હતા. તેણીએ સ્વીકાર્યું હતું કે અકસ્માતના થોડા દિવસો અગાઉ તેણે ગાંજાનું સેવન પણ કર્યું હતું.
આ ગંભીર કેસમાં સોમવારે જ્યારે આરોપી મેલિસા રામિરેઝ કોર્ટમાં હાજર થઈ, ત્યારે તે કટઘરામાં ઊભા રહીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. પોલીસ માર્શલના કડક પહેરા વચ્ચે કોર્ટમાં હાજર રહેલી મેલિસાનું ડ્રાઇવિંગ લાઈસન્સ અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ મામલે હવે આગામી 31 ઓગસ્ટના રોજ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યાં તેને કઠોર સજા થવાની પૂરી સંભાવના છે.

(5:39 PM IST)