News of Friday, 4th September 2026
નાઇજીરીયામાં ક્રૂડ ઓઇલ ચોરી કરતી વખતે ભયાનક હોનારત: દરિયાઈ બોટમાં ઝેરી ગેસ શ્વાસમાં જતાં ૩૭થી વધુ લોકોના કરૂણ મોત: અનેક લાપતા
ડેલ્ટામાં તેલ માફિયાઓની ગેરકાયદે પ્રવૃત્તિ દરમિયાન દુર્ઘટના: બ્લેક માર્કેટ માટે ક્રૂડ ભરાઈ રહ્યું હતું ત્યારે ભારે દબાણથી ગેસ લીક થયો

અબુજા : આફ્રિકા ખંડના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ નાઇજીરીયાના દક્ષિણ ભાગમાં આવેલા તેલ સમૃદ્ધ નાઇજર ડેલ્ટા પ્રદેશના રિવર્સ સ્ટેટમાં એક અત્યંત સનસનાટીભર્યો અને કરૂણ અકસ્માત સામે આવ્યો છે. અહીં દરિયાઈ વિસ્તારમાં ઉભેલા એક જહાજમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરીને પોતાની સ્થાનિક બોટોમાં ભરી રહેલા તસ્કરો તીવ્ર દબાણ સાથે બહાર નીકળેલા ઝેરી ગેસના ચપેટમાં આવી ગયા હતા. વાતાવરણમાં ક્ષણવારમાં ફેલાઈ ગયેલા ઝેરી ગેસ શ્વાસમાં જવાના કારણે સ્થળ પર જ ૩૭થી વધુ લોકોના શ્વાસ રૂંધાવાથી કરૂણ મોત નીપજ્યા છે. સ્થાનિક પર્યાવરણીય સંગઠન 'યુથ એન્ડ એન્વાયર્નમેન્ટલ એડવોકેસી સેન્ટર' એ આ વિગતો જાહેર કરી હતી.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, ગુરુવારે મોડી રાત્રે તેલ માફિયાઓ સાથે જોડાયેલા કેટલાક સ્થાનિક લોકો ગુપ્ત રીતે ક્રૂડ ઓઇલ પાઇપલાઇન કે વેસલમાંથી ચોરીનું તેલ પોતાની નાની બોટોમાં લોડ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે દબાણ હેઠળ ગેસ લીક થવાની ઘટના બની હતી. વહેતી હવામાં ઝેરી વાયુ એટલી ઝડપથી ફેલાયો કે લોકોને ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો. આ હોનારતમાં કેટલાય લોકો હજુ પણ દરિયાઈ વિસ્તારમાં લાપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી મૃત્યુઆંક હજુ વધી શકે તેમ છે.
બીજી તરફ, રિવર્સ સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તા બ્લેસિંગ એગ્બેએ આ ઘટનામાં લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આ ઘટના ક્રૂડ ઓઇલ ચોરીના પ્રયાસ દરમિયાન જ બની હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા હાલ મૃતકોનો સત્તાવાર ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી અને તપાસ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાઇજીરીયાના નાઇજર ડેલ્ટા વિસ્તારમાં ગેરકાયદેસર તેલ ચોરી અને ગેરકાયદે રિફાઇનરીઓ ચલાવવી એ એક મોટો ગુનાહિત કારોબાર છે, જ્યાં અગાઉ પણ આવા ભયાનક અકસ્માતો અને વિસ્ફોટોમાં સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
