તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ચીનની શૂઝ ફેક્ટરીમાં ભયાનક અગ્નિકાંડ: ૨૮ શ્રમિકો જીવતા ભુંજાયા, બચાવ માટે છત પરથી તરફડિયા મારતા કામદારોનો વીડિયો વાયરલ
વિશ્વની શૂઝ કેપિટલ ગણાતા જિંજિયાંગ શહેરમાં આવેલી બહુમાળી ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું : રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

બીજિંગ: ચીનના પૂર્વીય ફુજિયાન પ્રાંતના જિંજિયાંગ શહેર હેઠળ આવતા ચેન્ડાઈ ટાઉનશીપમાં એક પ્રચંડ દુર્ઘટના ઘટી હતી. અહીં આવેલી પ્રખ્યાત 'હુઈતેંગ શૂઝ ફેક્ટરી'ની બહુમાળી ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં જોતજોતામાં સમગ્ર બિલ્ડિંગ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ફેક્ટરીની અંદર કામ કરી રહેલા ઓછામાં ઓછા ૨૮ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા છે.
આગ એટલી ઝડપી અને તીવ્ર હતી કે શ્રમિકોને બહાર નીકળવાની તક જ ન મળી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ભયાનક વીડિયોમાં ઇમારતમાંથી કાળા ધુમાડાના વિશાળ ગોટેગોટા નીકળતા અને છત પર ફસાયેલા લાચાર કામદારો જીવ બચાવવા મદદ માટે હાથ હલાવતા જોઈ શકાય છે. ફેક્ટરીમાં જૂતા બનાવવા માટે વપરાતા અત્યંત જ્વલનશીલ પદાર્થો અને કેમિકલના કારણે આગ આખી ઇમારતમાં મિનિટોમાં ફેલાઈ ગઈ હતી, જેને પગલે અંદર ફસાયેલા લોકો જીવતા ભુંજાયા હતા.
ઘટનાની જાણ થતાં જ ૧૮૩ ફાયર ફાઇટર્સ અને ૩૫ ફાયર એન્જિનોના કાફલાએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ અંદર ગીચતા હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ આવ્યો હતો. આ ભયાનક માનવ ખુવારી પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવાની અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય આદેશો જારી કર્યા છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
