તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
યુરોપમાં આગની ભયાનક જ્વાળાઓ: ફ્રાન્સના જંગલોમાં 42,000 હેક્ટર ખાખ થયા બાદ આગ સ્થિર, 2.24 લાખ વિસ્થાપિતો ઘરવાપસીની રાહમાં!
ઠંડા અને ભેજવાળા હવામાનથી અગ્નિશામકોને મોટી રાહત; 308 લોકોની ધરપકડ વચ્ચે સ્વયંસેવકો પાણીની ડોલો સાથે જંગલો બચાવવા મેદાને ઊતર્યા.

બોર્ડેક્સ (ફ્રાન્સ) : દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના બોર્ડેક્સ વિસ્તારમાં આવેલા વિશાળ જંગલોમાં લાગેલી વિનાશક આગે હાહાકાર મચાવ્યો છે. 42,000 હેક્ટરમાં ફેલાયેલી આ ભયાનક આગને કારણે લગભગ 2,24,000 લોકોને પોતના ઘરો અને રજાના સ્થળો છોડીને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી. શુક્રવારે વાતાવરણમાં ઠંડક અને ભેજ વધતાં અગ્નિશામક દળોને મોટી સફળતા મળી છે અને આગ હાલ 'સ્થિર' થઈ છે. સ્થિતિ સુધરતાં સત્તાવાળાએ સ્થળાંતરિત કરાયેલા લગભગ બે તૃતીયાંશ લોકોને પોતાના ઘરે પરત ફરવાની મંજૂરી આપી છે, છતાં જમીનની અંદર સળગતા અંગારા હજુ પણ ચિંતાનો વિષય બન્યા છે.
આગ બુઝાવવાની આ કામગીરીમાં ફાયરબ્રિગેડના જવાનો સાથે સ્થાનિક નાગરિકો અને સ્વયંસેવકો પણ મોટા પાયે જોડાયા છે. 64 વર્ષીય જીન-ફ્રાન્કોઇસ પૌનર જેવા અનેક સ્થાનિકો પોતાના જંગલ અને ઘરને બચાવવા માટે પાણીના ડબ્બા અને ડોલો લઈને જમીનની અંદર સળગતી ભૂગર્ભીય આગને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. બે મહિનાથી વધુ સમયથી વરસાદ ન પડવાને કારણે સૂકું ભટ્ટ બનેલું જંગલ આગને વધુ ભડકાવી રહ્યું છે. આ દરમિયાન ફ્રાન્સને મદદ કરવા માટે યુક્રેન પણ 70 નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને 10 વાહનો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
આગ અને સુરક્ષા સંબંધિત મુખ્ય અપડેટ્સ:
· 308 શંકાસ્પદોની ધરપકડ: ફ્રેન્ચ ગૃહ પ્રધાન લોરેન્ટ નુનેઝે જણાવ્યું કે ઇરાદાપૂર્વક આગ લગાડવાના શંકાના આધારે 308 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં 120 થી વધુ સગીરો સામેલ છે.
· સમગ્ર યુરોપમાં કટોકટી: ફ્રાન્સ ઉપરાંત યુકે, સ્પેન, જર્મની, ગ્રીસ અને તુર્કીમાં પણ આગે ભારે વિનાશ નોતર્યો છે.
· ગ્રીસમાં ત્રણના મોત: ક્રેટ નામના દક્ષિણી ટાપુ પર આગ બુઝાવતી વખતે ત્રણ ગ્રીક અગ્નિશામકોના મોત થયા છે, જ્યારે એથેન્સ નજીક દરિયાઈ માર્ગે સ્થળાંતર શરૂ કરાયું છે.
બીજી તરફ, ઇંગ્લેન્ડના પૂર્વ કિનારે આવેલી ડનવિચ હીથમાં 150 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. સફોક ફાયર સર્વિસના 100 થી વધુ જવાનો લીસ્ટન નજીક આવેલ સાઇઝવેલ બી પરમાણુ પાવર પ્લાન્ટ તરફ આગ ન ફેલાય તે માટે સતત પ્રયત્નશીલ છે. સમગ્ર યુરોપ હાલ અભૂતપૂર્વ ગરમી, દુષ્કાળ અને દાવાનળની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
