<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

નેપાળના ગોરખામાં બુધી ગંડક નદીના ભયાનક પૂરે સર્જી તબાહી: 35થી વધુ મકાનો અને પુલ ધારાશાહી

કુદરતના તાંડવ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત અને પૂરના આક્રમક પાણીમાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટતાં બચાવ કામગીરી પૂરજોશમાં

કાઠમંડુ : નેપાળના પર્વતીય ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બુધી ગંડક નદીમાં અચાનક આવેલા કાટમાળ ભરેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી ગઈ છે, જેમાં ડઝનબંધ ઘરો અને મહત્વના પુલો તણાઈ જતાં વિરાટ વિનાશ સર્જાયો છે.

ચુમાનુવારી ગ્રામીણ મ્યુનિસિપાલિટી-3ના વોર્ડ ચેરમેન રામ કુમાર ગુરુંગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, રોષે ભરાયેલી બુધી ગંડક નદીના પ્રચંડ પ્રવાહે સાલેરી, પાયુકા અને જગત જેવા કાંઠાળ વિસ્તારોમાં ભારે વિધ્વંસ સર્જ્યો છે. આ પૂરના કારણે 35થી વધુ મકાનો જમીનદોસ્ત થઈને વહી ગયા છે.

આ ઉપરાંત પૂરના પાણી અને ભૂસ્ખલનના કારણે સ્થાનિક સંપર્ક પૂરો પાડતો એક ઝૂલતો પુલ તેમજ ન્યાકચેત અને ફિલ્મ બજારને જોડતો મહત્વપૂર્ણ પુલ પણ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે, જેના પગલે આસપાસના ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.

અગાઉ પણ પર્વતીય નેપાળમાં ચોમાસા દરમિયાન બુધી ગંડક નદીના વિસ્તારમાં ભૂસ્ખલન અને જળપ્રલયની ઘટનાઓ બનતી રહી છે. હાલ તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તથા રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.

(11:04 AM IST)