News of Wednesday, 15th April 2026
દિલ્હીના રોહિણીમાં ઝૂંપડપટ્ટી આગની ભયાવહ ઘટના: 2 માસૂમ બાળકો જીવતા ભૂંજાયા : 800થી વધુ ઝૂંપડા સળગીને ખાખ, 2500 લોકો બેઘર
સાંકડી ગલીઓમાં ફાયર ટેન્ડર ન પહોંચી શકતાં 3 કલાકથી વધુ સમયે આગ કાબૂમાં આવી : LPG સિલિન્ડર ફાટવાથી આગ વિકરાળ બની, સરકારે રાહત કામગીરી તેજ કરી

નવી દિલ્હી તા.૧૫ : દિલ્હીના રોહિણી સેક્ટર-17માં બેંગાલી બસ્તી નજીક શ્રી નિકેતન એપાર્ટમેન્ટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે સવારે 11:55 વાગ્યે લાગેલી ભીષણ આગમાં 2 માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા અને 800થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતકોમાં એક 2.5 વર્ષની બાળકી અને એક 3 વર્ષનો બાળક સામેલ છે, જેમની હજુ ઓળખ થઈ શકી નથી. આ દુર્ઘટનામાં 27 વર્ષીય શાબુલ શેખ નામનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
દિલ્હી ફાયર સર્વિસને આગનો કોલ મળતા કુલ 26 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલાયા હતા. જોકે સાંકડી ગલીઓ અને આસપાસની સોસાયટીની દીવાલોને કારણે ફાયર ટેન્ડર અંદર પહોંચી શક્યા નહીં, જેથી આગ બુઝાવતા 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. બપોરે 3:20 વાગ્યે આગ મોટાભાગે કાબૂમાં આવી હતી અને કુલિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. DFS ચીફ અતુલ ગર્ગે જણાવ્યું કે ભીડ ખૂબ હોસ્ટાઇલ હતી, જ્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફાયર ટેન્ડર મોડા પહોંચ્યા હતા.
આગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ અધિકારીઓના મતે આગ એક ઝૂંપડીમાંથી શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઝૂંપડીઓમાં રાખેલા LPG સિલિન્ડર ફાટવાથી આગ વધુ ભડકી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 5 એકરમાં ફેલાયેલી આ વસ્તીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 2500થી વધુ લોકો બેઘર થયા છે. મોટાભાગના રહેવાસીઓ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના સ્થળાંતરિત મજૂરો છે અને હાલ ચાદર બાંધીને કામચલાઉ આશરા બનાવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દુઃખ વ્યક્ત કરી સરકાર તમામ જરૂરી મદદ કરી રહી હોવાનું જણાવ્યું. BJP અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ તાત્કાલિક સહાય માટે સૂચના આપી છે. હાલ વિસ્થાપિત પરિવારોને નજીકની શાળાઓમાં બનાવેલા કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડાઈ રહ્યા છે અને મોબાઈલ ટોઈલેટ, તબીબી સહાય તથા ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આગ બાદ વિસ્તારમાં રાખ, બળેલા જાનવરો અને ઓગળેલા કુલરના દૃશ્યો જોવા મળ્યા હતા.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
