<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

નાઈજીરિયામાં હિંસાની અત્યંત ભયાનક ઘટના :તારાબા રાજ્યમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ અંધાધૂંધ હુમલો કરતા 62 લોકોના મોત

ગોળીબારમાં 52 લોકો ઘાયલ: જીવ બચાવવા માટે અનેક લોકોએ નદીમાં કૂદકો માર્યો:ઘટના બાદ હજારો લોકો ભયના માર્યા પોતાનું ઘર છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા

નાઇજીરિયામાં હિંસાની એક મોટી ઘટના સામે આવી છે. દેશના ઉત્તરપૂર્વ વિસ્તારમાં બંદૂકધારીઓએ એક સમુદાય પર હુમલો કરતાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત થયાં છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) દ્વારા મંગળવારે આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ હુમલામાં 52 લોકો ઘાયલ થયા છે, જ્યારે હજારો લોકોએ જીવ બચાવવા માટે પોતાનાં ઘર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

 

NEMAના રાજ્ય પ્રમુખ લાદાન અયુબાના જણાવ્યા અનુસાર, આ હુમલો શુક્રવારે તારાબા રાજ્યના કરીમ-લામિડો સ્થાનિક સરકારી વિસ્તારના બિનારી સમુદાયમાં થયો હતો. હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ હુમલો કરતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 52 મૃતદેહો મળી આવ્યા છે.

 

તેમાંથી 15 મૃતદેહો બેનેયુ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક અંગે હજુ અંતિમ પુષ્ટિ થઈ નથી અને વધુ મૃતદેહો મળવાની આશંકા છે. તારાબા પોલીસના પ્રવક્તા વિક્ટર મશેલીઝાહે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે પોલીસ અને સંબંધિત કર્મચારીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે. વધુ મૃતદેહો મળી આવશે તેમ તેમની ગણતરીમાં સમાવેશ કરવામાં આવશે.

 

 

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરિયાના ડિરેક્ટર ઇસા સનુસીના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ લોકોને નદી તરફ ધકેલી દીધા હતા. બંદૂકધારીઓથી બચવા માટે અનેક લોકોએ નદીમાં કૂદકો માર્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. નાઇજીરિયા લાંબા સમયથી ગંભીર સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે.

અહીં સશસ્ત્ર જૂથો, જેને સામાન્ય રીતે ‘બેન્ડિટ્સ’ એટલે કે ડાકુઓ તરીકે ઓળખવામાં આવે છે, નાગરિકોને નિશાન બનાવે છે. આ જૂથો ખંડણી માટે લોકોનું મોટા પાયે અપહરણ કરે છે અને ગેરકાયદે ખાણો પર પણ કબજો જમાવે છે. આ ઉપરાંત બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ (ISWAP) જેવા આતંકવાદી સંગઠનો પણ દેશમાં હુમલા કરતા રહ્યા છે.

 

નાઇજીરિયાના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં પણ આવી જ એક હિંસક ઘટના બની હતી. અહીં બંદૂકધારીઓએ ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં 17 ખેડૂતોનાં મોત થયાં હતાં અને અન્ય 13 ખેડૂતો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ સંગઠને સ્વીકારી નથી.

(11:47 PM IST)