તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
નાઈજીરિયામાં લઠ્ઠાકાંડનો ભયાનક કહેર: મેથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૫૦ થી વધુ લોકોના કરુણ મોત, ૧૦૦ થી વધુ હોસ્પિટલમાં જિંદગી સામે ઝૂઝી રહ્યા છે
'મંકી ટેલ' નામના દેશી પીણામાં ઝેર ભળતા ભારે તારાજી; પીડિતોએ દ્રષ્ટિ ગુમાવી, પોલીસે ઉત્પાદકો સહિત ૧૫ લોકોની કરી ધરપકડ

અબુજા, તા.૧૮: આફ્રિકન દેશ નાઈજીરિયાના દક્ષિણ ભાગમાં એક અત્યંત હૃદયવિદારક ઝેરી દારૂ (લઠ્ઠાકાંડ) ની દુર્ઘટના સામે આવી છે. અત્યંત ઝેરી ગણાતા મેથેનોલ કેમિકલયુક્ત દેશી દારૂનું સેવન કરવાથી ઓછામાં ઓછા ૪૮ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦૦ થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક સત્તાવાળાના જણાવ્યા મુજબ, આ ઘટનાથી આશરે ૧૮૨ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
ઓન્ડો રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે આ કેસો મુખ્યત્વે ઓડિગ્બો અને આરેલે વિસ્તારોમાં નોંધાયા છે. ઝેરી દારૂની અસર એટલી ઘાતક હતી કે પીણું પીધાના થોડા જ કલાકોમાં લોકોની કિડની ફેલ થઈ ગઈ હતી, મગજ પર ગંભીર અસર થઈ હતી અને ઘણા લોકોએ પોતાની આંખોની રોશની કાયમ માટે ગુમાવી દીધી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૨ વર્ષીય પીડિત સોલા અદેબાયોએ આપવીતી જણાવતા કહ્યું કે માત્ર બે નાના ગ્લાસ પીધા બાદ બીજા જ દિવસે તેની દ્રષ્ટિ સંપૂર્ણપણે જતી રહી હતી.
પોલીસે આ સમગ્ર દુર્ઘટનાના સંદર્ભમાં કડક કાર્યવાહી કરીને ૧૫ લોકોની અટકાયત કરી છે, જેમાં આ ઝેરી પીણું બનાવનાર મુખ્ય ઉત્પાદક પણ સામેલ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને સસ્તા એવા "મંકી ટેલ" (Monkey Tail) નામના હર્બલ દારૂમાં નશો વધારવા માટે મેથેનોલ ભેળવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ નાઈજીરિયાની ખાદ્ય અને ઔષધ નિયંત્રણ એજન્સીએ નાની થેલીઓ (Sachet) અને પ્લાસ્ટિકની બોટલોમાં વેચાતા આવા અનિયંત્રિત દારૂ પર દેશવ્યાપી પ્રતિબંધ વધુ કડક બનાવી દીધો છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
