<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન ભયાનક વિમાન દુર્ઘટના: તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય તાલીમાર્થી પાઇલટ્સના કરુણ મોત

કોમર્શિયલ લાયસન્સ માટે ઉડાનના કલાકો પૂરા કરતી વખતે સેસ્ના ૧૭૨ વિમાન કિસ્બે નજીક કડડભૂસ: ૨૦૨૫ પછી હાર્વ્સ એર સ્કૂલ સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી હોનારત

વાનકુવર, તા.૨૧: કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલા એક અત્યંત દુઃખદ અને દર્દનાક વિમાન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થી પાઇલટ્સના કરુણ મોત નીપજ્યા છે. વાનકુવર સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ તમિલનાડુ અને પુડુચેરીના રહેવાસી મનોજ શિવકુમાર અને શ્રીશરણ તિરુગ્નાનસંબંથમ તરીકે થઈ છે. ભારતીય મિશને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને તેમના પાર્થિવ દેહને ભારત પરત મોકલવા સહિતની તમામ જરૂરી કોન્સ્યુલર સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

 

મળતી માહિતી મુજબ, 'હાર્વ્સ એર' (Harv’s Air) ફ્લાઇટ સ્કૂલ દ્વારા સંચાલિત 'સેસ્ના ૧૭૨' (Cessna 172) વિમાન શુક્રવારે વહેલી સવારે સાસ્કાચેવાનના કિસ્બે નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બંને લાયસન્સ ધરાવતા પાઇલટ્સ પોતાના કોમર્શિયલ પાઇલટ લાયસન્સ માટે જરૂરી ઉડાનના કલાકો (ફ્લાઇંગ અવર્સ) એકત્ર કરવા માટે વિમાન ભાડે રાખીને રેજિનાથી મેનિટોબાના સ્ટેઇનબેક જઈ રહ્યા હતા. નાઇટ ક્રોસ-કન્ટ્રી ફ્લાઇટ દરમિયાન અચાનક વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને નિયત સમયે ગંતવ્ય સ્થાને ન પહોંચતાં કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરવામાં આવી હતી.

 

સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા

 

ઘટનાની જાણ થતાં જ કેનેડિયન જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરે સઘન શોધખોળ હાથ ધરી હતી. ૪૩૫ સ્ક્વોડ્રનના સીસી ૧૩૮ હર્ક્યુલસ વિમાને સાંજે ૬ વાગ્યાના સુમારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ શોધી કાઢ્યું હતું અને સર્ચ ટેકનિશિયનોને પેરાશૂટ દ્વારા નીચે ઉતાર્યા હતા. જોકે, ક્રેશ સાઇટ પર બંને ભારતીય વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૫ પછી 'હાર્વ્સ એર' ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી હવાઈ દુર્ઘટના છે, જેણે કેનેડામાં પાઇલટ ટ્રેનિંગ અને સુરક્ષાના ધોરણો સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

(5:38 PM IST)