તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 11th October 2026
બુલંદશહેરમાં ભયાનક માર્ગ અકસ્માત: સિલિન્ડર ભરેલા ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારતાં એક યુવતીનું મોત, 28 ભક્તો ઘાયલ
મા બેલા ભવાની શક્તિપીઠે પવિત્ર અખંડ જ્યોત લેવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા, અલીગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

બુલંદશહેર : ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના નરોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલોન નજીક શનિવારે મોડી રાત્રે એક કરૂણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. દેવીની પવિત્ર જ્યોત લેવા માટે પ્રખ્યાત ધાર્મિક સ્થળ સર્વમંગલા મા બેલા ભવાની શક્તિપીઠ જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીને એલપીજી ગેસ સિલિન્ડર ભરેલા પુરપાટ ઝડપે આવતા ટ્રકે સામસામે જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કમકામાટીભરી અથડામણમાં અઢી ડઝનથી વધુ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં સારવાર દરમિયાન એક યુવતીનું મોત નીપજ્યું છે.
અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્યારલી ગામના આશરે ચાલીસ જેટલા ભક્તો પોતાના ગામના મંદિરમાં સ્થાપિત કરવા માટે દેવીની શાશ્વત અખંડ જ્યોત લાવવા ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને બેલોન ગામ સ્થિત શક્તિપીઠ તરફ જઈ રહ્યા હતા. મોડી રાત્રે ટ્રેક્ટર-ટ્રોલી બેલોન ગામ નજીક પહોંચી ત્યારે નરોરા તરફથી પૂરઝડપે આવી રહેલા અનિયંત્રિત ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકે તેમને સીધી ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર કરૂણ ચીસો ગુંજી ઉઠી હતી.
સ્થાનિકો અને પોલીસની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે અલીગઢ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવતીએ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
આ કરૂણ બનાવને પગલે સ્યારલી ગામમાં અને ભક્તજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસ પ્રશાસન દ્વારા મૃતક યુવતીના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ભક્તોની તબીબી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
