News of Wednesday, 11th November 2026
પંજાબના સંગરુરમાં મુખ્યમંત્રી નિવાસ નજીક ભયાનક માર્ગ દુર્ઘટના: PRTC બસ ઓવરબ્રિજ સાથે અથડાઈને ખાડામાં પલટી
ચંદીગઢ જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બનતા ૩ મુસાફરોના કરુણ મોત, ૧૦ થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સંગરુર : પંજાબના સંગરુરમાં ભટિંડા-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુખ્યમંત્રી નિવાસસ્થાનથી થોડાક જ કિલોમીટર દૂર બુધવારે સવારે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સંગરુરથી મુસાફરોને લઈને ચંદીગઢ તરફ જઈ રહેલી PRTC (પેપ્સુ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ની બસ અચાનક ઓવરબ્રિજ નજીક કાબૂ ગુમાવી દેતાં પુલ સાથે ભયાનક રીતે અથડાઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી.
આ કરુણ દુર્ઘટનામાં ૩ મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે ૧૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક લોકો અને પોલીસ પ્રશાસને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢી સંગરુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હોસ્પિટલ પહોંચાડાયેલા ઘાયલો પૈકી ૧૦ લોકોની તબીબી હાલત અત્યંત નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે પટિયાલાની રાજીન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર સંગરુરની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સવારના સમયે બનેલી આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધીને બસ ચાલકની બેદરકારી કે યાંત્રિક ખામી અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં ગંભીર ઘાયલોની પરિસ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે તેમજ મૃતકોની ઓળખ છતી કરીને તેમના પરિવારજનોને જાણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
