તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
રામપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: પિકનિક પર નીકળેલા આઈટી કંપનીના માલિક સહિત ૪ યુવાનોના મોત
દિલ્હી-નોઈડાથી કોર્બેટ પાર્ક જઈ રહેલી કાર ટ્રક સાથે અથડાઈ; ૩ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વાયરલ વીડિયોથી અરેરાટી

રામપુર:શનિવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના રામપુરમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નોઈડાથી જીમ કોર્બેટ પાર્ક ફરવા નીકળેલા આઈટી કંપનીના માલિક અભિષેક અગ્નિહોત્રી અને તેમના સ્ટાફના સભ્યોની કાર હાઈવે પર ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ૪ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ૧૦૦ કિમીની ઝડપે દોડતી આ કારમાં સવાર અન્ય ૩ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે દિલ્હી ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. મૃતકોમાં આઈટી કંપનીના માલિક અભિષેક અગ્નિહોત્રી (૩૦), એન્જિનિયર કાર્તિક રાજપૂત (૨૪), નીરજ (૨૪) અને સ્ટાફ સભ્ય ગુલબુદ્દીન (૩૫)નો સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક યુવાન પીડામાં મદદ માટે કરગરી રહ્યો છે. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેસ કટરની મદદથી કાર કાપીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સફર દરમિયાન ટાયર પંચર પડતા કાર મોડી પડી હતી અને આગળ ચાલી રહેલી બીજી કારથી તેઓ અલગ પડી ગયા હતા. પોલીસનું માનવું છે કે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવી જવાથી કારે કાબૂ ગુમાવ્યો હતો અને પાર્ક કરેલા DCM ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભયાનક ઘટનાએ હાઈવે પર પાર્ક કરવામાં આવતા ભારે વાહનોની સુરક્ષા અને લાંબી મુસાફરી દરમિયાન ડ્રાઈવિંગમાં લેવાતી સાવચેતી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતના દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
