<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભયાનક વળાંક: "જો હવે હુમલો થયો તો જંગ હિંદ મહાસાગર સુધી ભડકે બળશે," ઈરાનની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી અને આકરી ચેતવણી

પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્ર બાદ હવે હિંદ મહાસાગરમાં પણ સૈન્ય મોરચો ખોલવાની તેહરાનની ધમકી, વૈશ્વિક શિપિંગ રૂટ અને એશિયાઈ દેશોની સુરક્ષા પર ઘેરા સંકટના વાદળો

તેહરાન, તા.૨૪: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ભીષણ સંગ્રામને નવ મહિના જેટલો સમય વિતી ચૂક્યો હોવા છતાં, શાંતિના કોઈ એંધાણ દેખાતા નથી. ઉલટાનું આ યુદ્ધ હવે વધુ ભયાનક અને વૈશ્વિક સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર)ના વરિષ્ઠ સલાહકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો અમેરિકા દ્વારા ઈરાન પર કોઈ નવો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો ઈરાન આ યુદ્ધનો વ્યાપ હિંદ મહાસાગર સુધી લંબાવવામાં જરાય અચકાશે નહીં.

ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં ઈરાનના સુપ્રીમ લીડરના વરિષ્ઠ સલાહકાર યાહ્યા રહીમ સફાવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "હાલમાં આ સંઘર્ષ પર્શિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટથી લઈને લાલ સમુદ્ર સુધી ફેલાઈ ચૂક્યો છે. જો હવે આગળ લડાઈ વધશે, તો આ યુદ્ધ મોરચો હિંદ મહાસાગર અને કદાચ તેનાથી પણ આગળના વિસ્તારો સુધી પહોંચી શકે છે." ઈરાન તરફથી આવેલું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમા પર પહોંચી ગયો છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

હોર્મુઝ સ્ટ્રેટથી લઈને લાલ સમુદ્ર સુધીના મહત્વપૂર્ણ શિપિંગ રૂટ પર વેપારી જહાજોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. ઈરાની લશ્કરી અધિકારીઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે અમેરિકા તરફથી કરવામાં આવતી કોઈપણ નવી લશ્કરી ઉશ્કેરણી સામે સમગ્ર પ્રદેશમાં રહેલા અમેરિકી હિતો, સૈન્ય અડ્ડાઓ અને સંપત્તિઓ પર આકરા પ્રહારો કરવામાં આવશે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ સંકેત આપ્યા છે કે પરિસ્થિતિ અનુસાર તેઓ પોતાની લશ્કરી વ્યૂહરચના અને લક્ષ્યાંકોમાં ફેરફાર કરવા તૈયાર છે.

જો આ યુદ્ધ હિંદ મહાસાગર સુધી વિસ્તરશે, તો તેની સીધી અને વિનાશક અસર ભારત, ઈરાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના સમગ્ર એશિયાઈ પ્રદેશ પર પડશે. વિશ્વના ત્રીજા સૌથી મોટા મહાસાગર એવા હિંદ મહાસાગરમાં યુદ્ધની જ્વાળાઓ ફેલાવાથી આંતરરાષ્ટ્રીય વેપાર, તેલના પુરવઠા અને પ્રાદેશિક સુરક્ષા સામે અભૂતપૂર્વ સંકટ ઊભું થવાની પૂરેપૂરી આશંકા છે.

(5:34 PM IST)