News of Thursday, 23rd April 2026
દિલ્હીના અમર કોલોની હત્યા કેસમાં ભયાનક ખુલાસો: IRS અધિકારીની દીકરીની હત્યા કરતા પહેલા આરોપીએ અલવરમાં મિત્રની પત્ની પર ગુજાર્યો હતો બળાત્કાર
ઓનલાઈન ગેમના દેવામાં ડૂબેલા પૂર્વ નોકરે લૂંટના ઈરાદે આચરી ક્રૂરતા; સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે 12 કલાકમાં આરોપીને દબોચી લીધો

નવી દિલ્હી:રાજધાની દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં આઈઆરએસ (IRS) અધિકારીની ૨૨ વર્ષની પુત્રીની હત્યાના કેસમાં એક પછી એક સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘાતકી હત્યાનો આરોપી રાહુલ મીના એક રીઢો ગુનેગાર છે. દિલ્હીમાં હત્યાકાંડને અંજામ આપ્યાના ગણતરીના કલાકો પહેલા જ તેણે રાજસ્થાનના અલવર જિલ્લામાં પોતાના જ મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાંથી ભાગીને દિલ્હી આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાહુલ મીના ઓનલાઈન ગેમ્સના વ્યસની હતો અને તેના પર મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તે પૂર્વમાં જે ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો ત્યાં લૂંટના ઈરાદે પ્રવેશ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તે પીળા શર્ટમાં ઘરમાં પ્રવેશતો અને કપડાં બદલીને કાળા બેકપેક સાથે બહાર નીકળતો કેદ થયો હતો. હત્યા કર્યા બાદ તે લોહીથી ખરડાયેલા કપડાં અને જૂતા ઘટનાસ્થળે જ છોડીને સફેદ પેન્ટ પહેરી ભાગી છૂટ્યો હતો.
દિલ્હી પોલીસે આ કેસની ગંભીરતા જોઈને ૧૫ ટીમો બનાવી હતી અને પાડોશી રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. છેવટે, ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીના એક ગુપ્ત મોબાઈલ નંબરના આધારે તેનું લોકેશન દ્વારકા વિસ્તારની એક હોટલમાં મળ્યું હતું, જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપીએ લૂંટના ઈરાદે પીડિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ ઘટનાએ દિલ્હી અને રાજસ્થાન બંને રાજ્યની પોલીસને ચોંકાવી દીધી છે.
: પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલી વસ્તુઓ જપ્ત કરી છે. દિલ્હી પોલીસ અને અલવર પોલીસ હવે સંયુક્ત રીતે આ બંને કેસમાં કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
