તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
લાહોરમાં જાતીય હિંસાના ભયાનક આંકડા! ૮ મહિનામાં ૪૯૮ બળાત્કાર : ૩૬ ગેંગ રેપ અને ૧,૧૦૮ જાતીય ગુનાઓ સામે આવ્યા
પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની લાહોરમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો: 'વોઇસ ઓફ પાકિસ્તાન માઇનોરિટી' રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : દરરોજ સરેરાશ ચારથી વધુ જાતીય અપરાધ નોંધાયા

લાહોર : પાકિસ્તાનમાં મહિલાઓ અને સગીરાઓ સામેના જાતીય અપરાધોની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સ્થાનિક પોલીસ રેકોર્ડ અને લઘુમતી અધિકાર સંગઠન 'વોઇસ ઓફ પાકિસ્તાન માઇનોરિટી' દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં રિપોર્ટ અનુસાર, એકલા લાહોર શહેરમાં વર્ષ ૨૦૨૬ ના પ્રથમ આઠ મહિના દરમિયાન ૪૯૮ બળાત્કાર અને ૩૬ ગેંગ રેપના કેસ નોંધાયા છે. VOPM ના અહેવાલમાં જણાવાયું છે કે આ માત્ર કાગળ પરના શુષ્ક આંકડા નથી, પરંતુ દરરોજ સરેરાશ ચારથી વધુ મહિલાઓ જાતીય હિંસાનો ભોગ બની રહી છે, જેમાં ઘણીવાર પીડિતાઓને પોતાના જ ઘરોમાં કે સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં શિકાર બનાવવામાં આવી છે.
સંગઠનના ડેટા એનાલિસિસ મુજબ, લાહોરનો કોઈ પણ વિસ્તાર કે સમુદાય આ હિંસાથી અસ્પૃશ્ય રહ્યો નથી. સદર શહેરમાં સૌથી વધુ ૧૩૨ બળાત્કારના કેસ નોંધાયા છે, ત્યારબાદ મોડેલ ટાઉનમાં ૯૮, કેન્ટોનમેન્ટમાં ૯૨, ઇકબાલ ટાઉનમાં ૮૦, સિટીમાં ૫૬ અને સિવિલ લાઇન્સમાં ૪૦ કેસ નોંધાયા છે. આ સિવાય તમામ છ શાસકીય વિભાગોમાં ગેંગ રેપની ઘટનાઓ સામે આવી છે. જો તમામ પ્રકારના જાતીય ગુનાઓને એકત્રિત કરવામાં આવે તો આઠ મહિનામાં આ આંકડો ૧,૧૦૮ સુધી પહોંચી જાય છે. આ ભયાનક ગુનાઓ માત્ર પછાત કે ઝૂંપડપટ્ટી વિસ્તારો પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમૃદ્ધ સોસાયટીઓ, ભીડભાડવાળા બજારો અને શાંત રહેણાંક વિસ્તારોમાં પણ સતત બની રહ્યા છે.
માનવાધિકાર સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોલીસ એફઆઈઆરમાં નોંધાયેલા આંકડા તો વાસ્તવિક પરિસ્થિતિનો માત્ર એક નાનો હિસ્સો છે. સામાજિક કલંકનો ડર, શરમ, કૌટુંબિક દબાણ, પોલીસ અને કાનૂની વ્યવસ્થા પર અવિશ્વાસના કારણે અસંખ્યા પીડિતો મોં બંધ રાખવા મજબૂર બને છે. તાજેતરમાં લાહોરમાં ૨૦ વર્ષીય અઝરબૈજાની મહિલા પર થયેલા કથિત સામૂહિક બળાત્કારે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ સ્થાનિક પાકિસ્તાની મહિલાઓ દરરોજ આવી હિંસાનો સામનો કરી રહી છે જેને કોઈ અવાજ મળતો નથી. સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા કડક બનાવીને દોષિતોને સજા અને પીડિતોને સંપૂર્ણ રક્ષણ નહીં અપાય, ત્યાં સુધી ન્યાયના વચનો માત્ર પોકળ સાબિત થશે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
