તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
કેરળમાં 'રાજતિલક'ની ઘડીઓ ગણાય રહી છે! આવતીકાલે જાહેર થશે નવા મુખ્યમંત્રીનું નામ, જયરામ રમેશે રહસ્ય પરથી પડદો ઉંચક્યો
દિલ્હીથી તિરુવનંતપુરમ સુધી બેઠકોનો ધમધમાટ: કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અનેક રાઉન્ડની ચર્ચાઓ બાદ આખરે નામ પર લાગી મહોર - આવતીકાલે સત્તાવાર એલાન

તિરુવનંતપુરમ : દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય એવા કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આજે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે કેરળના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. લાંબી મથામણ અને દિલ્હીમાં મોવડી મંડળ સાથેની અનેક રાઉન્ડની બેઠકો બાદ આખરે ઉમેદવારના નામ પર સહમતી સધાઈ ગઈ છે.
ચર્ચાઓનો દોર પૂર્ણ, હવે માત્ર જાહેરાત બાકી
જયરામ રમેશે પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપ્યો હતો કે પાર્ટીની અંદર ચાલી રહેલી તમામ આંતરિક ચર્ચાઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના હિત અને પક્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી પદ માટે અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હતા, જેના કારણે હાઈકમાન્ડ માટે કોઈ એક નામ પસંદ કરવું પડકારજનક સાબિત થયું હતું.
રાજકીય ગરમાવો તેજ
આ જાહેરાત પહેલા કેરળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી મુખ્યમંત્રીની પસંદગીમાં અનુભવ અને યુવા જોશ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે. જયરામ રમેશના આ ખુલાસા બાદ હવે સૌની નજર આવતીકાલ પર ટકેલી છે કે 'ઈશ્વરના પોતાના દેશ' (God's Own Country) તરીકે ઓળખાતા કેરળની બાગડોર કોના હાથમાં સોંપવામાં આવશે.
કેરળમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કે છે અને આવતીકાલનો દિવસ રાજ્યના ભાવિ રાજકારણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. તમામ સમાચાર પ્રેમીઓ અને કાર્યકર્તાઓ હવે સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
