<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત 'અક્વાન'નું મંડરાતું જોખમ, બંગાળ અને તમિલનાડુ સહિત ત્રણ રાજ્યોમાં એલર્ટ

અર્નબ અને મુરાસુ બાદ વધુ એક વાવાઝોડાની આશંકાથી ચિંતા વધી, હવામાન વિભાગ દ્વારા આગામી ૧૨ નવેમ્બર સુધીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થવાની આગાહી

કોલકાતા : બંગાળની ખાડીમાં વધુ એક સંભવિત ચક્રવાતી તોફાન ઊભું થવાની શક્યતાએ દેશના તટીય વિસ્તારોમાં ચિંતા વધારી દીધી છે. અર્નબ અને મુરાસુ વાવાઝોડાં બાદ હવે ઈરાન દ્વારા નામ આપવામાં આવેલા નવા સંભવિત ચક્રવાત 'અક્વાન'નો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા તેની ગતિવિધિઓ પર વિશેષ દેખરેખ રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના મતે આગામી ૧૨ નવેમ્બર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની આસપાસના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ઉપલું વાતાવરણીય ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ૧૩ નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં એક નવું ઓછું દબાણ (લો પ્રેશર) ક્ષેત્ર રચાવાની ધારણા છે, જે આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ સંભવિત ચક્રવાતની સીધી અસર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત દેશના ત્રણ મુખ્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં અનુભવાશે તેવી વોર્નિંગ આપવામાં આવી છે. હાલ જો કે બંગાળ પર આ વાવાઝોડાની ચોક્કસ અસર અને તેની દિશાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી, પરંતુ તટીય વિસ્તારોના વહીવટી તંત્રને સંભવિત આપત્તિ સામે સાવચેત રહેવા માટે સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.

ચક્રવાતોની આ સિરીઝે ફરી એકવાર દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાની ફરજ પાડી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા દરિયામાં જઈ રહેલા માછીમારોને આગામી દિવસોમાં સાવચેત રહેવા અને પવનની સ્થિતિ પર નજર રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે

(12:56 PM IST)