<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

તમારી ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી છે ?

ઓછી ઊંઘને કારણે દિવસભર થાક, ચીડિયાપણું, ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં મુશ્‍કેલી અને કામ કરવાની ક્ષમતા પર અસર થઈ શકે છે

નવી દિલ્‍હી તા.૨૫: મોટા ભાગના પુખ્‍ત વયના લોકો માટે દરરોજ ૬ કલાકની ઊંઘ ઓછી માનવામાં આવે છે. ઊંઘ દરમિયાન શરીરને આરામ મળવાની સાથે મગજ અને શરીરની અનેક જરૂરી પ્રક્રિયાઓને પુનઃસ્‍થાપિત થવાનો સમય મળે છે, તેથી માત્ર તમે ઊંઘો છો કે નહીં તે જ નહીં, પરંતુ કેટલો સમય અને કેટલી ગુણવત્તાવાળી ઊંઘ લો છો તે પણ મહત્‍વનું છે.

ડોક્‍ટરના જણાવ્‍યા અનુસાર ઉંમર વધવાની સાથે ઊંઘની જરૂરિયાતમાં પણ ફેરફાર થાય છે. નવજાત શિશુઓને સૌથી વધુ ઊંઘની જરૂર પડે છે, કારણ કે આ તબક્કામાં શરીર અને મગજનો ઝડપી વિકાસ થઈ રહ્યો હોય છે. તેમને સામાન્‍ય રીતે ૧૪થી ૧૭ કલાકની ઊંઘ લેવી જોઈએ.

ચારથી ૧૧ મહિનાના બાળકોને ૧૨થી ૧૫ કલાક, જ્‍યારે એકથી ૨ વર્ષના બાળકોને ૧૧થી ૧૪ કલાકની ઊંઘની જરૂર હોય છે. તે જ રીતે ૩થી ૫ વર્ષના બાળકોને ૧૦થી ૧૩ કલાક અને ૬થી ૧૨ વર્ષના બાળકોને ૯થી ૧૨ કલાકની ઊંઘ લેવી જોઈએ.

૧૩થી ૧૭ વર્ષના ટીનેજર્સને દરરોજ ૮થી ૧૦ કલાકની ઊંઘ જરૂરી છે. જ્‍યારે ૧૮થી ૬૪ વર્ષના પુખ્‍ત વયના લોકોએ ઓછામાં ઓછા ૭ કલાક ઊંઘ લેવી જોઈએ. ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દરરોજ ૭થી ૮ કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે.

ડોક્‍ટરના જણાવ્‍યા અનુસાર, જો કોઈ પુખ્‍ત વ્‍યક્‍તિ દરરોજ માત્ર ૬ કલાક ઊંઘે છે, તો લાંબા સમય સુધી તેને સામાન્‍ય માનવું યોગ્‍ય નથી. ઓછી ઊંઘને કારણે દિવસભર થાક, ચીડિયાપણું, ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં મુશ્‍કેલી અને કામ કરવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. જોકે, માત્ર ઊંઘના કલાકો પૂરા કરવા પૂરતા નથી. ઊંઘની ગુણવત્તા પણ એટલી જ મહત્‍વપૂર્ણ છે.

જો તમે દરરોજ ૭થી ૮ કલાક ઊંઘ્‍યા પછી પણ સતત થાક અનુભવતા હોવ, વારંવાર ઊંઘ તૂટતી હોય અથવા સવારે ઉઠ્‍યા બાદ તાજગી અનુભવાતી ન હોય, તો ઊંઘની ગુણવત્તા અથવા અન્‍ય કોઈ સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત સમસ્‍યાની તપાસ માટે ડોક્‍ટરની સલાહ લેવી વધુ યોગ્‍ય છે

(1:40 PM IST)