તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
CINTAA ઓફિસમાં સિનિયર બોલિવૂડ અભિનેત્રીઓ વચ્ચે ભારે બબાલ: કાગળો અને ફાઈલોની ચોરીના આરોપ બાદ પોલીસનો કડક ઠપકો!
પૂનમ ઢિલ્લોન, ઉપાસના સિંહ, કુનિકા સદાનંદન અને પદ્મિની કોલ્હાપુરે વચ્ચે ઉગ્ર દલીલો: ગાડીમાંથી દસ્તાવેજો છીનવ્યા અને ડેટા ચોરીના આક્ષેપોથી વાતાવરણ ગરમ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

મુંબઈ : બોલિવૂડના કલાકારોના સંગઠન 'સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન' (CINTAA) ની ઓફિસમાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દેશની જાણીતી સિનિયર અભિનેત્રીઓ વચ્ચે સત્તાવાર કાગળો અને ફાઈલોની હેરાફેરી મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદમાં પૂનમ ઢિલ્લોન, ઉપાસના સિંહ, કુનિકા સદાનંદન અને પદ્મિની કોલ્હાપુરે સહિતના દિગ્ગજ કલાકારો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે આખરે મુંબઈ પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ઝઘડતા કલાકારોને કડક શબ્દોમાં ઠપકો આપીને શાંત પાડવા પડ્યા હતા.
આ સમગ્ર વિવાદ CINTAA ના સત્તાવાર દસ્તાવેજો અને ફાઇલોને લઈને શરૂ થયો હતો. કુનિકા સદાનંદને એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે પૂનમ ઢિલ્લોનની કારમાંથી કેટલાક મહત્વપૂર્ણ કાગળો બળજબરીથી છીનવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પદ્મિની કોલ્હાપુરેએ પણ પોતાનો ડેટા ચોરાઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. પૂનમ ઢિલ્લોનની કારની તપાસને લઈને પણ વાતાવરણ તંગ બન્યું હતું, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ કલાકારોને એકબીજા પર દોષારોપણ બંધ કરવા અને શાંતિ જાળવવા કડક સૂચના આપી હતી.
નોંધનીય છે કે, CINTAA માં લાંબા સમયથી આંતરિક મતભેદો અને વિવાદો ચાલી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જ ૨૧ સભ્યોની ચૂંટાયેલી સમિતિમાંથી ૧૧ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આંતરિક સમિતિના વિસર્જન અને આગામી ચૂંટણીઓની જાહેરાત બાદ કલાકારોને ઓફિસમાં પ્રવેશવા ન દેવા બાબતે પણ કુનિકા સદાનંદે સવાલો ઉઠાવ્યા હતા. હાલમાં દસ્તાવેજોની છેડછાડ, કમિટીના વિસર્જન અને ચૂંટણી મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
