News of Monday, 12th October 2026
કેનેડાના ક્યુબેકમાં કમ્પ્યુટરની ટેકનિકલ ભૂલથી ભારે અફરાતફરી: ઇમિગ્રેશન મંત્રાલયે ૭૪૬ કુશળ કામદાર અરજદારોને ભૂલથી મોકલી દીધી ફાઇલ બંધ કરવાની નોટિસ!
'સ્કિલ્ડ વર્કર સિલેક્શન પ્રોગ્રામ' હેઠળ અરજી કરનારા પ્રવાસીઓમાં ચિંતાનો માહોલ: મંત્રાલયે ભૂલ સ્વીકારી અસરગ્રસ્ત અરજદારોને નોટિસ અવગણવા અને ચિંતા ન કરવા આપી ખાતરી

મોન્ટ્રિયલ, તા.૧૨: કેનેડાના ક્યુબેક પ્રાંતના ઇમિગ્રેશન મંત્રાલયમાં એક મોટી ટેકનિકલ અને કમ્પ્યુટર ભૂલ સામે આવી છે, જેના કારણે ક્યુબેકમાં કાયમી ધોરણે સ્થાયી થવાનું સ્વપ્ન સેવતા સેંકડો કુશળ કામદારો (સ્કિલ્ડ વર્કર્સ) માં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કમ્પ્યુટર સિસ્ટમમાં આવેલી ખામીને કારણે મંત્રાલય દ્વારા શનિવારે પ્રાંતના 'સ્કિલ્ડ વર્કર સિલેક્શન પ્રોગ્રામ' હેઠળ અરજી કરનારા ૭૪૬ અરજદારોને ભૂલથી તેમની ફાઇલ બંધ કરવાની સત્તાવાર નોટિસ મોકલી દેવામાં આવી હતી.
અચાનક મળેલી આ ફાઇલ બંધ કરવાની નોટિસના કારણે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ફાળ પડી હતી, કારણ કે આ કાર્યક્રમ ખાસ કરીને એવા સ્થળાંતર કરનારાઓ માટે છે જેઓ ક્યુબેકમાં કાયમી રહેઠાણ મેળવવા માંગે છે. આ ઘટના બાદ ઇમિગ્રેશન વકીલ મેક્સિમ લેપોઇન્ટે જણાવ્યું હતું કે તેમના ઘણા ગ્રાહકોને શનિવારે આ ભૂલભરેલી નોટિસ મળી હતી, જેના કારણે તેમની અરજીઓની સ્થિતિ અંગે ભારે મૂંઝવણ ઊભી થઈ હતી. તેમણે આ ગંભીર ભૂલ માટે મંત્રાલયના જવાબદાર અધિકારીઓ સામે સવાલો પણ ઉઠાવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્યુબેકના ઇમિગ્રેશન મંત્રાલયે તાત્કાલિક પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ નોટિસ માત્ર એક ટેકનિકલ ખામીના કારણે સિસ્ટમ દ્વારા આપમેળે જતી રહી હતી. મંત્રાલય હવે તમામ ૭૪૬ અસરગ્રસ્ત અરજદારોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરી રહ્યું છે અને તેમને શનિવારે મળેલી ભૂલભરેલી નોટિસને સંપૂર્ણપણે અવગણવાની સલાહ આપી રહ્યું છે. મંત્રાલયે ખાતરી આપી છે કે તમામ અરજદારોની ફાઇલો સુરક્ષિત છે અને તેમની અરજી પ્રક્રિયા પૂર્વવત્ ચાલુ રહેશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
