તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
બંગાળના રણમેદાનમાં ભારે ડ્રામા: ભાજપના લાઉડસ્પીકરના ઘોંઘાટથી મમતા બેનર્જીનો પિત્તો ગયો અને અધવચ્ચે ભાષણ છોડી સ્ટેજ પરથી ઉતરી ગયા
ભવાનીપુરમાં માત્ર ૧૦૦ મીટરના અંતરે સામસામે રેલીઓ યોજાતા તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે લોહિયાળ સંઘર્ષની સ્થિતિ: દીદીએ ભાજપ પર જાણીજોઈને સભામાં ખલેલ પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવી જનતાની માફી માંગી પ્રચાર પડતો મૂક્યો

ભવાનીપુર : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર દરમિયાન ભવાનીપુરમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સભાના સ્થળથી માંડ ૧૦૦ મીટર દૂર ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની રેલીનું આયોજન થતા વાતાવરણ તંગ બન્યું હતું. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે જાણીજોઈને તેમના લાઉડસ્પીકરો ટીએમસીના સ્ટેજ તરફ રાખી અસહ્ય અવાજ કર્યો હતો, જેથી તેઓ પોતાનું વક્તવ્ય આપી શક્યા નહોતા. ભારે રોષ સાથે દીદીએ પોતાનું ભાષણ અટકાવી દીધું હતું અને સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા, જેના કારણે કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
મુખ્યમંત્રીના ગયા બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી અને સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસ કાફલાએ વચ્ચે પડવું પડ્યું હતું. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા વળતો પ્રહાર કર્યો હતો કે મમતા બેનર્જી હારના ડરથી પોતાનું સંતુલન ગુમાવી રહ્યા છે. બીજી તરફ સુવેન્દુ અધિકારીએ પણ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો દાવો કરીને સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું હતું. આ ગરમાગરમી વચ્ચે ચૂંટણી પંચના આદેશથી સ્થાનિક પોલીસ મથકોના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે.
ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચેનો જંગ હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ૨૯ એપ્રિલે થનારા મતદાન પૂર્વે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે શનિવારની આ ઘટનાએ ચૂંટણી પ્રચારને વધુ આક્રમક બનાવી દીધો છે. ૨૦૧૧થી આ બેઠક પર મમતા બેનર્જીનું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે ભાજપના જોરદાર પડકારને કારણે જંગ અત્યંત રસાકસીભર્યો બન્યો છે. આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કોઈપણ હિંસક ઘટનાને રોકી શકાય.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
