<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

તમિલનાડુના રાજકારણમાં ભારે ભૂકંપ: ટીવીકે સરકારને પછાડવા '૩૫ કરોડ'ની ઓફર! ધારાસભ્યના સનસનીખેજ આરોપ બાદ ૩ ની ધરપકડ, સેન્થિલ બાલાજીનું નામ ખુલ્યું

વિધાનસભા સ્પીકર વિરુદ્ધ મતદાન કરવા ડીએમકેના પૂર્વ મંત્રી અને તેમના ભાઈએ કાવતરું રચ્યાનો પોલીસનો દાવો; ચેન્નાઈ હાઇપ્રોફાઇલ કેસથી ખળભળાટ

ચેન્નાઈ, તા.૦૧: દક્ષિણ ભારતના રાજકારણમાં એક બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની આગેવાની હેઠળની નવી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) સરકારને અસ્થિર કરવા અને ધારાસભ્યો ખરીદવા (હોર્સ ટ્રેડિંગ) ના કથિત કાવતરાનો પર્દાફાશ થયો છે. ટીવીકે પક્ષના ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે તેમને ગૃહના સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવિત અવિશ્વાસ પ્રસ્તાવ પર પક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે રૂ. ૩૫ કરોડની મસમોટી ઓફર કરવામાં આવી હતી. આ મામલે ચેન્નાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ૩ લોકોની ધરપકડ કરી છે.
ઓપિનિયન પોલના નામે ફોન કરી અપાઈ ધમકી
ધારાસભ્ય ઇલૈયારાજાએ ચેન્નાઈ પોલીસ કમિશનરને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૯ જૂનના રોજ થિરુનાવુક્કારાસુ નામના એક વ્યક્તિએ 'ઇન્ડિયન પોલિટિકલ ડેમોક્રેટિક સ્ટ્રેટેજીસ' (IPDS) નામની સંસ્થાના વડા તરીકે ઓળખ આપી તેમનો સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે એક મુખ્ય રાજકીય પક્ષ વતી વાત કરી રહ્યો છે. તેણે ધારાસભ્યને આગામી સમયમાં સ્પીકર વિરુદ્ધ આવનારા પ્રસ્તાવમાં શાસક પક્ષ ટીવીકેની વિરુદ્ધમાં મતદાન કરવા લાલચ આપી હતી. ઇલૈયારાજાએ જ્યારે આ ૩૫ કરોડની ઓફર ફગાવી દીધી, ત્યારે આરોપીએ તેમને અને તેમના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તપાસના તાર પૂર્વ ડીએમકે મંત્રી સેન્થિલ બાલાજી સુધી પહોંચ્યા
તમિલનાડુ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર અખબારી યાદી અનુસાર, આ આખા કાવતરા પાછળ ડીએમકેના પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ વી. અશોક કુમારનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓએ સેન્થિલ બાલાજી અને તેમના ભાઈના સીધા ઈશારે જ ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સો સેન્થિલ બાલાજીના અત્યંત નજીકના સાથી હોવાનું કહેવાય છે અને પોલીસે તેમની પાસેથી મહત્વના પુરાવા પણ કબજે કર્યા છે.
ડીએમકે છેલ્લા ૪૦ દિવસથી ધારાસભ્યો તોડવામાં વ્યસ્ત: મંત્રીનો દાવો
આ હાઇપ્રોફાઇલ ધરપકડો બાદ તમિલનાડુના મંત્રી પી. નિર્મલ કુમારે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "સ્ટાલિન અને તેમની ડીએમકે ટીમ છેલ્લા ૪૦ દિવસથી સતત અમારી સરકારને પછાડવા અને અમારા ધારાસભ્યોને ખરીદવા માટે જાળ બિછાવી રહી છે. અમારા ધારાસભ્યને ધમકી આપવામાં આવી ત્યારે અમે તમામ ડિજિટલ અને ઓડિયો પુરાવા સાથે પોલીસ ફરિયાદ કરી હતી." ઉલ્લેખનીય છે કે, ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી ટીવીકે (TVK) એ પોતાના પ્રથમ ચૂંટણી પદાર્પણમાં જ ૧૦૮ બેઠકો જીતીને ડીએમકે અને એઆઈએડીએમકેના દાયકાઓ જૂના વર્ચસ્વને ખતમ કરીને સત્તા મેળવી છે, ત્યારથી જ ત્યાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.

(4:13 PM IST)