<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

મધ્યપ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ધાર ભોજશાળામાં ભારે ઉત્સાહ: કડક સુરક્ષા વચ્ચે ભક્તોએ ઉલ્લાસભેર કરી મહાઆરતી

હાઈકોર્ટે ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યા પછી પ્રથમ શુક્રવારે અભેદ્ય કિલ્લામાં ફેરવાયું પરિસર; કાયદો અને વ્યવસ્થા જાળવવા એસપી સચિન શર્માએ પોતે સંભાળી કમાન

ધાર (મધ્યપ્રદેશ), તા.૨૨: મધ્યપ્રદેશની વિવાદિત અને ઐતિહાસિક ધાર ભોજશાળા (Dhar Bhojshala) ને લઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદા બાદ આજે પ્રથમ શુક્રવારે ત્યાં ભારે ધાર્મિક ઉત્સાહ અને ચુસ્ત સુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. અદાલતે આ વિવાદિત સ્થળને સત્તાવાર રીતે દેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યા પછી, આજે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓએ ભોજશાળા સંકુલમાં એકત્રિત થઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિશેષ પૂજા-અર્ચના અને 'મહાઆરતી' કરી હતી.
મુસ્લિમોના ‘જુમ્મા’ ના દિવસે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
સામાન્ય રીતે શુક્રવારનો દિવસ મુસ્લિમ સમુદાય માટે 'જુમ્મા નમાઝ' નો પવિત્ર દિવસ હોય છે, જેથી હાઈકોર્ટના ચુકાદા પછી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભોજશાળા સંકુલ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને બેરિકેડ્સ લગાવીને સીલ કરી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાસને સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી સતત દેખરેખ રાખી હતી.
અફવાઓ ફેલાવનારા સામે એસપીની કડક ચેતવણી
આ દરમિયાન ધાર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સચિન શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એસપી પોતે પોલીસ વાહન પર સવાર થઈને લાઉડસ્પીકર દ્વારા લોકોને સંબોધિત કરતા અને શાંતિ જાળવવાની અપીલ કરતા જોવા મળે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, વહીવટીતંત્ર સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને કોર્ટના આદેશને લઈને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવશે, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે કે તણાવ પેદા કરશે, તો તેની સામે બિલકુલ દયા રાખ્યા વિના અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
શું હતો જૂનો નિયમ અને હાઈકોર્ટનો નવો આદેશ?
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩ માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ, અહીં હિન્દુઓને માત્ર મંગળવારે પૂજા કરવાની મંજૂરી હતી, જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો શુક્રવારે નમાઝ અદા કરતા હતા. જો કે, તાજેતરમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટે વર્ષો જૂના આ વિવાદ પર આખરી ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, ભોજશાળા સંકુલ એ વાસ્તવમાં વાગ્દેવી (દેવી સરસ્વતી) ને સમર્પિત પવિત્ર મંદિર જ છે. હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ નિર્ણય બાદ હિન્દુ સંગઠનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) માં દાખલ કરી છે. છતાં પણ, હાલ કોર્ટના આદેશ અનુસાર ભોજશાળામાં ભક્તિમય માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.

(5:02 PM IST)