<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

બોલિવિયાના સેના મથકમાં ફટાકડા-આતશબાજીના ગોડાઉનમાં ભીષણ ધડાકો: ઓછામાં ઓછા ૧૦ લોકોનાં કરૂણ મોત, ૬૨થી વધુ ઘાયલ થતા ભારે અફરાતફરી

​રાજધાની લા પાઝ નજીકના વિઆચા સૈન્ય કેમ્પમાં બપોરના સમયે સર્જાયેલી દુર્ઘટના: બ્લાસ્ટના આંચકાથી આસપાસના ડઝનબંધ મકાનોના કાચ તૂટ્યા, બીજો ધડાકો થવાની દહેશત વચ્ચે સમગ્ર વિસ્તાર ખાલી કરાવાયો અને સાત લોકો હજુ પણ લાપતા

​લા પાઝ (બોલિવિયા):દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં એક સૈન્ય છાવણીમાં દારૂગોળા અને ફટાકડાના ભંડારમાં અચાનક ભારે વિસ્ફોટ થતાં સમગ્ર પંથક ધ્રૂજી ઊઠ્યો હતો. શુક્રવારે બપોરે બનેલી આ ગોઝારી ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ લોકોના અકાળે મોત નિપજ્યા છે, જ્યારે ૬૨થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જવાથી અને ઘાયલ થવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૈન્ય છાવણીમાં થયેલા આ ભયાનક ધડાકાના આંચકાથી આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

​મળતી વિગતો અનુસાર, બોલિવિયાની વહીવટી રાજધાની લા પાઝથી આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલા વિઆચા નામના વિસ્તારમાં સ્થિત સૈન્ય મથકમાં આ ઘટના ઘટી હતી. બોલિવિયાના સંરક્ષણ મંત્રાલયના તાબા હેઠળ આવતા આ મથકમાં આતશબાજી અને પાયરોટેકનીક સામગ્રી (ફટાકડા બનાવવાનો દારૂગોળો) નો સંગ્રહ કરવામાં આવ્યો હતો. શુક્રવારે સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે ગોડાઉનમાં એકપછી એક બે ભયાનક ધડાકા થયા હતા. ધડાકો એટલો તીવ્ર હતો કે આકાશમાં કાળા અને ઘટ્ટ ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા અને કેટલાય કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

​ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયરબ્રિગેડ, આર્મી અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક આરોગ્ય વિભાગના નિર્દેશક રીટા નેબ્રાસ્કાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૦ થી ૧૫ લોકોના મોતની આશંકા છે, જ્યારે ૬૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં ૫૦થી વધુ સામાન્ય નાગરિકો અને સૈન્યના જવાનોનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૪ ગંભીર દર્દીઓને રાજધાની લા પાઝની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાં ત્રીજા સ્ટેજ સુધી દાઝી ગયેલી એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અત્યાર સુધીમાં ૭ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે, જેથી મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.

​વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે સૈન્ય મથકની આસપાસ આવેલા ડઝનબંધ મકાનોની બારીઓના કાચ તૂટીને વિખેરાઈ ગયા હતા, જેના કાચ વાગવાથી પણ અનેક નાગરિકો ઘાયલ થયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ચેતવણી આપી છે કે વિસ્ફોટ સ્થળે હજુ પણ ભારે ગરમી રહેલી છે, જેના કારણે બીજો બ્લાસ્ટ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને લોકોને ઘટનાસ્થળથી ઓછામાં ઓછા ૧૫૦ મીટર દૂર રહેવાની તાકીદ કરી છે. સંરક્ષણ ઉપમંત્રી અર્નેસ્ટો જુસ્ટિનોએ જણાવ્યું હતું કે, આ ગોઝારા બનાવ પાછળ ફટાકડાનો સંગ્રહ કઈ રીતે કરાયો હતો અને વિસ્ફોટનું મૂળ કારણ શું હતું તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

(12:20 PM IST)