News of Thursday, 26th November 2026
શેરબજારમાં જોરદાર ઉછાળો: સેન્સેક્સ 84,300ને પાર, IT અને રિયલ્ટી શેરોમાં 3%થી વધુની તેજી સાથે ચાંદી પણ ચમકી
BSE સેન્સેક્સ 390 પોઈન્ટ વધી 84,328.59 પર અને નિફ્ટી 25,884.50 પર બંધ; FII અને DIIની મજબૂત ખરીદી તથા એશિયન બજારોના સકારાત્મક સંકેતોથી બજારમાં ઉત્સાહ, ચાંદી ₹1.47 લાખને પાર

મુંબઈ, તા. ૨૬: ગુરુવારે ભારતીય શેરબજારોમાં વોલેટિલિટી (અસ્થિરતા) વચ્ચે પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે બંધ રહ્યા હતા. સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, એશિયાઈ બજારોના પોઝિટિવ સંકેતો તેમજ IT અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં આવેલી જોરદાર ખરીદીને કારણે બજારને મજબૂત ટેકો મળ્યો હતો.
કારોબારના અંતે BSE સેન્સેક્સ 390.31 પોઈન્ટ (0.46%)ના ઉછાળા સાથે 84,328.59ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 સૂચકાંક 65.25 પોઈન્ટ (0.25%) વધીને 25,884.50 પર સ્થિર થયો હતો. જોકે, વૈશ્વિક વેપારને લગતી અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોએ સાવચેતી દાખવતા દિવસના ઊંચા સ્તરેથી બજારમાં થોડો નફો બુકિંગ પણ જોવા મળ્યું હતું.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો, રિયલ એસ્ટેટ અને ટેક્નોલોજી શેરોમાં સૌથી વધુ તેજી રહી હતી. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં 3.52% અને નિફ્ટી IT ઈન્ડેક્સમાં 3%થી વધુનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી મેટલ (1.26%) અને નિફ્ટી ફાર્મા (0.43%) પણ લીલા નિશાનમાં રહ્યા હતા, જ્યારે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (1% ઘટાડો), FMCG (0.97% ઘટાડો), PSU બેંક (0.57% ઘટાડો) અને ઓટો (0.49% ઘટાડો) ક્ષેત્રમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.
PL Capitalના વિક્રમ કસતના જણાવ્યા મુજબ, 25 નવેમ્બરે FIIs અને DIIs એ અનુક્રમે ₹4,479 કરોડ અને ₹4,019 કરોડના શેરની ખરીદી કરી હતી. વૈશ્વિક મોરચે તાઈવાન, હોંગકોંગ અને જાપાનના બજારોમાં તેજી રહી હતી. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ 0.87% ઘટીને પ્રતિ બેરલ $93.79 પર પહોંચ્યું હતું, જ્યારે સોનું 1.27% વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,22,670 અને ચાંદી 3.41% ઉછળીને પ્રતિ કિલો ₹1,47,307 પર પહોંચી હતી.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
