<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ક્રિકેટના દિગ્ગજ હરભજન સિંહ સામે પંજાબમાં ભારે આક્રોશ: AAP છોડી ભાજપમાં જોડાતા જ જાલંધર સ્થિત ઘરની દીવાલો પર 'દેશદ્રોહી' લખી લોકોએ રોષ ઠાલવ્યો

આમ આદમી પાર્ટીના 7 સાંસદોના કેસરિયો ધારણ કરવાના નિર્ણયથી રાજકીય ખળભળાટ, પોલીસની હાજરીમાં જ 'ટર્બનેટર'ના નિવાસસ્થાને કાળી સહીથી વિરોધ પ્રદર્શિત કરતો વીડિયો વાયરલ થતા ચકચાર

જાલંધર: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહ દ્વારા આમ આદમી પાર્ટી (AAP) નો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જ પંજાબમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. 24 એપ્રિલના રોજ થયેલા આ મોટા રાજકીય ઉલટફેરથી નારાજ સમર્થકોએ જાલંધરમાં હરભજનના ઘરની બહાર હંગામો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ઘરની મુખ્ય દીવાલો પર સ્પ્રે પેઇન્ટથી પંજાબી અને અંગ્રેજીમાં "દેશદ્રોહી" લખી નાખ્યું હતું. આ ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હોવા છતાં દેખાવકારોને રોકવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદોમાંથી 7 સાંસદોએ એકસાથે પક્ષપલટો કરતા 'આપ' છાવણીમાં મોટું ગાબડું પડ્યું છે. હરભજન સિંહ ઉપરાંત રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ અને સંદીપ પાઠક જેવા દિગ્ગજ ચહેરાઓ પણ હવે ભાજપમાં ભળી ગયા છે. રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષ છોડવા પાછળ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ જનતામાં ખાસ કરીને હરભજન સિંહ જેવા સેલિબ્રિટી સાંસદના નિર્ણયને લઈને નૈતિકતાના સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આગામી ચૂંટણીઓ પહેલા પંજાબના રાજકારણમાં મોટા વળાંક તરીકે જોઈ રહ્યા છે.

ક્રિકેટના મેદાનમાં 400થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપી દેશનું નામ રોશન કરનાર 'ભજ્જી' હવે રાજકીય પીચ પર ક્લીન બોલ્ડ થયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તેમના ઘરની બહાર થયેલી આ તોડફોડ અને લખાણ બાદ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહનું ક્રિકેટ કરિયર અત્યંત શાનદાર રહ્યું છે, પરંતુ રાજકારણમાં પક્ષ બદલવાના તેમના આ પગલાને કારણે સમર્થકોમાં જે પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, તે તેમના ભવિષ્યના રાજકીય પ્રવાસ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે.

(4:29 PM IST)