તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
બ્રિટિશ રાજકારણમાં ભારે આઘાત: યુકેના જાણીતા પૂર્વ મહિલા સાંસદ એન વિડેકોમ્બની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા, આતંકવાદી કાવતરું હોવાની પોલીસને શંકા!
પોલીસે ૨૮ વર્ષના શંકાસ્પદ યુવકની ધરપકડ કરી આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તપાસ તેજ કરી; પોતાના કટ્ટર રૂઢિચુસ્ત વિચારો અને રિયાલિટી ટીવી શોથી લોકપ્રિય બનેલા ૭૮ વર્ષીય નેતાના નિધનથી દેશભરમાં ચકચાર.

લંડન : બ્રિટિશ રાજકીય જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. યુકેના પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને જાણીતા ટીવી સેલિબ્રિટી ૭૮ વર્ષીય એન વિડેકોમ્બ (Ann Widdecombe) ની તેમના જ ઘરમાં ઘાતકી અને નિર્મમ હત્યા કરવામાં આવી છે. બ્રિટિશ આતંકવાદ વિરોધી પોલીસે મંગળવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ એક પૂર્વ-આયોજિત અને ‘લક્ષિત હુમલો’ (Targeted Attack) હતો. આ ચકચારી હત્યા કેસમાં આતંકવાદી કાવતરાની આશંકાને પગલે દેશની ટોચની કાઉન્ટર ટેરરિઝમ પોલીસે તપાસ પોતાના હાથમાં લીધી છે.
નેશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના વડા લોરેન્સ ટેલરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ હુમલો અત્યંત ક્રૂર અને સુનિયોજિત હતો. પોલીસને દક્ષિણપશ્ચિમ ઇંગ્લેન્ડના એક એકાંત ગ્રામીણ વિસ્તારમાં આવેલા વિડેકોમ્બના ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર ગંભીર ઇજાઓના નિશાન હતા. આ ઘટના બાદ તપાસ એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને ઉત્તર ઇંગ્લેન્ડમાંથી એક ૨૮ વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. શરૂઆતમાં સામાન્ય હત્યાની આશંકા હેઠળ ધરપકડ કરાયેલા આ યુવકની કસ્ટડી દરમિયાન મળેલા ચોંકાવનારા પુરાવાઓને આધારે, હવે તેની પર આતંકવાદી કાયદા (Terrorism Act) હેઠળ ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના મતે તેના ઘરેથી આ હુમલાના આયોજનના વ્યાપક પુરાવા મળી આવ્યા છે.
એન વિડેકોમ્બ બ્રિટિશ રાજકારણનો એક અત્યંત જાણીતો અને ચર્ચિત ચહેરો હતા. ૧૯૮૭ થી ૨૦૧૦ સુધી હાઉસ ઓફ કોમન્સના સભ્ય રહેલા વિડેકોમ્બે ભૂતપૂર્વ વડા પ્રધાન જોન મેજરની કન્ઝર્વેટિવ સરકારમાં જેલ મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ગર્ભપાત વિરોધી અને LGBTQ+ અધિકારોના કડક વિરોધ જેવા પોતાના કટ્ટર સામાજિક રૂઢિચુસ્ત વિચારો માટે જાણીતા હતા. સંસદ છોડ્યા બાદ, તેમણે લોકપ્રિય રિયાલિટી શો "સ્ટ્રિક્ટલી કમ ડાન્સિંગ" અને "સેલિબ્રિટી બિગ બ્રધર" માં ભાગ લઈને ભારે લોકપ્રિયતા મેળવી હતી. તાજેતરના વર્ષોમાં તેઓ ઇમિગ્રેશન વિરોધી 'રિફોર્મ યુકે' પાર્ટીના સક્રિય પ્રવક્તા તરીકે મીડિયામાં દેખાતા હતા.
આ ઘટનાએ યુકેમાં લોકપ્રતિનિધિઓ અને રાજકારણીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતાઓ જન્માવી છે. નોંધનીય છે કે, છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં બે સેવિંગ સાંસદોની હત્યા થઈ ચૂકી છે — જેમાં ૨૦૧૬માં લેબર પાર્ટીના જો કોક્સ અને ૨૦૨૧માં કન્ઝર્વેટિવ પક્ષના ડેવિડ એમેસ પર જીવલેણ હુમલા કરાયા હતા. આ ભયાનક હત્યાકાંડ પાછળ હુમલાખોરનો અસલી હેતુ શું હતો અને તેની પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી હતી, તેની ઊંડી તપાસ હાલ બ્રિટિશ સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
