News of Friday, 8th May 2026
કેરળના આગામી મુખ્યમંત્રીની પસંદગીમાં ભારે સસ્પેન્સ : AICC ઓબ્ઝર્વર મુકુલ વાસનિકના હાથમાં રહેલી ધારાસભ્યોની યાદીનો ફોટો વાયરલ થતા કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતિમાં
કેસી વેણુગોપાલને 46 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો : રમેશ ચેન્નીથલા અને વીડી સતીશન મુખ્યમંત્રીની રેસમાં પાછળ હોવાના સંકેત સાથે દસ્તાવેજમાં 'KC' નામના માર્કિંગે વિવાદ છેડ્યો

તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ માટે ભારે વિવાદ સર્જાયો છે. એઆઈસીસી (AICC) ઓબ્ઝર્વર મુકુલ વાસનિકના હાથમાં રહેલા એક અત્યંત ગુપ્ત દસ્તાવેજનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ દસ્તાવેજમાં ધારાસભ્યોની પસંદગીના માર્કિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે સૂચવે છે કે કેસી વેણુગોપાલ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે.
વાયરલ ફોટો અને 'KC' માર્કિંગનું રહસ્ય:
નવી દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વર મુકુલ વાસનિક જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાં રહેલી યાદીમાં ધારાસભ્યોના નામ સામે ટૂંકાક્ષરો લખેલા જોવા મળ્યા હતા. મોટાભાગના નામો સામે "KC" લખેલું હતું, જેનો અર્થ કેસી વેણુગોપાલ કરવામાં આવી રહ્યો છે. દસ્તાવેજમાં સંદીપ વારિયર, સજીવ જોસેફ, ટીઓ મોહનન અને ટી સિદ્દીક જેવા દિગ્ગજોના નામ પણ સામેલ હતા. આશ્ચર્યજનક રીતે આઈસી બાલકૃષ્ણના નામ સામે "KC" અને "RC" બંને લખેલું હતું, જે વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા બંને માટેનું સમર્થન હોવાનું મનાય છે.
સંખ્યાબળનું ગણિત - કોણ કેટલું આગળ?
કોંગ્રેસના આંતરિક વર્તુળો અને અહેવાલો મુજબ, પક્ષના કુલ 63 ધારાસભ્યોમાંથી કેસી વેણુગોપાલના જૂથે 46 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. બીજી તરફ, રમેશ ચેન્નીથલાને માત્ર 8 અને વિરોધ પક્ષના નેતા વીડી સતીશનને માત્ર 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્રણ ધારાસભ્યોએ હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે માન્ય રાખવાની તૈયારી દર્શાવી છે. જોકે, કેપીસીસી પ્રમુખ સની જોસેફે આ દસ્તાવેજ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે આ અંગે મુકુલ વાસનિક જ સ્પષ્ટતા કરી શકે.
હાઈકમાન્ડ લેશે અંતિમ નિર્ણય:
ઓબ્ઝર્વર અજય માકન અને મુકુલ વાસનિકે તમામ ધારાસભ્યો સાથે વન-ટુ-વન ચર્ચા કરીને પોતાનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષને સુપરત કરી દીધો છે. અજય માકને જણાવ્યું હતું કે ધારાસભ્યોની સંસદીય દળની બેઠકમાં એક લીટીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં નેતાની પસંદગીનો અંતિમ અધિકાર હાઈકમાન્ડને સોંપાયો છે. ઓબ્ઝર્વરોએ ધારાસભ્યોના માત્ર મંતવ્યો જ નહીં પણ અન્ય સૂચનો પણ નોંધ્યા છે, જેના આધારે દિલ્હીથી મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ લીક થયેલા દસ્તાવેજે પક્ષની આંતરિક પ્રક્રિયાને જાહેરમાં લાવી દીધી છે, જે કોંગ્રેસ માટે ક્ષોભજનક સાબિત થઈ રહી છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
