તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
દીદીના ગઢમાં ભારે ઉથલપાથલ: મમતા બેનર્જીની રાજકીય ઓળખ સમાન ‘શહીદ દિવસ’ કાર્યક્રમને કોંગ્રેસે ગણાવ્યો પોતાનો, તૃણમૂલ કોંગ્રેસ સામે ખુલ્યું નવું મોરચો
વર્ષ ૧૯૯૩ ના પોલીસ ગોળીબારના ૧૩ યુવા કોંગ્રેસી શહીદોની યાદ પર હવે કોંગ્રેસનો સત્તાવાર દાવો; પ્રદેશ પ્રમુખ શુભંકર સરકારે ટીએમસીના પાયા હચમચાવતી કરી મોટી જાહેરાત

કોલકાતા: પશ્ચિમ બંગાળના હાઈ-પ્રોફાઈલ રાજકારણમાં સત્તા પરિવર્તન બાદ હવે એક નવો અને અત્યંત આક્રમક રાજકીય અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે આગામી ૨૧ જુલાઈએ બંગાળની ધરતી પર ભારે રાજકીય ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) એક પછી એક પોતાની તમામ મજબૂત કડીઓ ગુમાવી રહી છે. હવે કોંગ્રેસે ટીએમસીની રાજકીય અસ્મિતા અને ઓળખ સમાન ગણાતા વાર્ષિક 'શહીદ દિવસ' (માર્ટીયર્સ ડે) કાર્યક્રમ પર પોતાનો હક જતાવવાની સત્તાવાર ઘોષણા કરીને બંગાળના રાજકારણમાં નવો સનસનાટીભર્યો ફણગો ફોડ્યો છે.
પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ ૨૧ જુલાઈના રોજ કોલકાતાના ઐતિહાસિક શહીદ મિનાર મેદાન ખાતે એક વિશાળ જનરેલીનું આયોજન કરશે. આ આક્રમક વ્યૂહરચના દ્વારા કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસની મિલકત ગણાતા શહીદ દિવસના કાર્યક્રમ પર પોતાનો પુનઃ દાવો મજબૂત કરવા જઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શુભંકર સરકારે પક્ષના મુખ્ય મથક 'બિધાન ભવન' ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગર્જના કરી હતી કે, બંગાળમાં છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત કોંગ્રેસ આ શહીદ સ્મારક સ્થળ પર ખુલ્લેઆમ રેલી યોજીને મમતા બેનર્જીના અસ્તિત્વને ખુલ્લો પડકાર ફેંકશે.
આ ઐતિહાસિક દિવસની લોહિયાળ શરૂઆત ૨૧ જુલાઈ, ૧૯૯૩ ના રોજ ડાબેરી મોરચાના (લેફ્ટ ફ્રન્ટ) શાસન દરમિયાન થઈ હતી, જ્યારે તત્કાલીન યુવા કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનર્જીની આગેવાની હેઠળ કલકત્તાના એસ્પ્લેનેડ વિસ્તારમાં સચિવાલય ઘેરાવની રેલી યોજાઈ હતી. તે સમયે પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલા આડેધડ ગોળીબારમાં યુવા કોંગ્રેસના ૧૩ જાંબાઝ કાર્યકરો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. કોંગ્રેસે આ બલિદાનની યાદમાં દર વર્ષે ૨૧ જુલાઈને સત્તાવાર શહીદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. પરંતુ ૧૯૯૦ ના દાયકાના અંતમાં મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી, ત્યારથી આ આખા કાર્યક્રમને ટીએમસીએ હાઇજેક કરીને પોતાની માલિકીનો બનાવી દીધો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ટીએમસી પર સનસનાટીભર્યા આરોપો લગાવતા કહ્યું છે કે, સત્તાના નશામાં ચૂર થઈને મમતા બેનર્જીએ વર્ષો સુધી કોંગ્રેસને આ દિવસ જાહેરમાં ઉજવતા રોકી હતી અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને પરવાનગી આપવાનો સતત ઇનકાર કર્યો હતો. અત્યાર સુધી કોંગ્રેસે પોતાના જ ૧૩ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બિધાન ભવનની અંદર કામચલાઉ શેડ બનાવીને નાનો કાર્યક્રમ કરવો પડતો હતો. પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જે કારમી અને શરમજનક હાર થઈ છે, ત્યારબાદ ટીએમસીની અંદર આંતરિક બળવો અને ભારે ઉથલપાથલ મચી ગઈ છે, જેનો રાજકીય લાભ ઉઠાવવા કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી આવી છે.
આ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે પ્રદેશ પ્રમુખ શુભંકર સરકાર અને અખિલ ભારતીય કોંગ્રેસના નિરીક્ષક ગુલામ અહેમદ મીરે ભૂતકાળમાં કોંગ્રેસ છોડીને ટીએમસીમાં ગયેલા તમામ નેતાઓ અને ધારાસભ્યોને જાહેરમાં ઘરવાપસીનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે પણ નેતાઓ કોંગ્રેસની મૂળ વિચારધારામાં વિશ્વાસ રાખે છે તેમના માટે પક્ષના દરવાજા હંમેશા ખુલ્લા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ચૂંટણીમાં હાર બાદ નબળી પડેલી ટીએમસીના સેંકડો કાર્યકરો અને નેતાઓ ૨૧ જુલાઈએ કોંગ્રેસનો હાથ પકડે તેવી પ્રબળ શક્યતાઓ જોતાં બંગાળના આકાશમાં અત્યારથી જ આગામી સંઘર્ષના કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
