<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ચીનના સત્તાના ગલિયારામાં ભારે ખળભળાટ: 'શી જિનપિંગને આવ્યા બે વાર હાર્ટ એટેક!' – તિબેટના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેનો વિસ્ફોટક દાવો!

ચીની રાષ્ટ્રપતિના કથળતા સ્વાસ્થ્ય અને આંતરિક બળવાની આશંકા પર મોટો ખુલાસો: ઉત્તરાધિકારી જાહેર કરવાથી ચીનમાં ગૃહયુદ્ધ ભડકવાનો તોળાતો ખતરો

નવી દિલ્હી : ચીનના સર્વોચ્ચ નેતા અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાસ્થ્ય તેમજ ચીનની આંતરિક રાજકીય સ્થિતિને લઈને એક અત્યંત ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. તિબેટીયન નિર્વાસિત સરકાર (Central Tibetan Administration) ના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેએ દિલ્હીમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં વિસ્ફોટક દાવો કર્યો છે કે શી જિનપિંગને ઓછામાં ઓછા બે અથવા કદાચ ત્રણ વાર હાર્ટ એટેક આવી ચૂક્યા છે. આ નિવેદન બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ચીનના સત્તાના ગલિયારાઓમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

લોબસાંગ સાંગેના જણાવ્યા અનુસાર, તાજેતરમાં તેમની મુલાકાત ચીનના એક ઉચ્ચ સ્તરીય વરિષ્ઠ અધિકારી સાથે થઈ હતી. આશરે એક કલાક ચાલેલી ગુપ્ત વાતચીતમાં આ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે જિનપિંગ અતિશય માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. જિનપિંગના ચહેરા પર દેખાતો સોજો અને તેમની ચાલવાની શૈલી પણ તેમના કથળતા સ્વાસ્થ્યની સ્પષ્ટ જુબાની આપે છે. આ માનસિક તણાવની અસર તેમના નિર્ણયો પર પણ દેખાઈ રહી છે, જેના કારણે જ ચીનમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓ અચાનક ગાયબ થઈ રહ્યા છે અથવા તેમને પદભ્રષ્ટ કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરાધિકારીના મુદ્દા પર પ્રકાશ પાડતા લોબસાંગ સાંગેએ ચેતવણી આપી હતી કે જિનપિંગ હાલમાં પોતાના ઉત્તરાધિકારીનું નામ જાહેર કરવા માંગતા નથી. ચીનના ઈતિહાસ મુજબ, જો કોઈ શાસક જીવતેજીવ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરે તો તેની સામે જ પક્ષની અંદર ષડયંત્રો શરૂ થઈ જાય છે. જો જિનપિંગ ઉત્તરાધિકારી ચૂંટશે તો ચીનમાં તખ્તાપલટ કે બળવો થઈ શકે છે, અને જો ઉત્તરાધિકારી નહીં ચૂંટે તો ભવિષ્યમાં સત્તાની ખેંચતાણને કારણે ચીન ગૃહયુદ્ધની આગમાં હોમાઈ શકે છે.

નોંધનીય છે કે તિબેટીયન નિર્વાસિત સરકારનું મુખ્ય મથક ભારતના ધર્મશાલામાં છે, જે ૧૯૫૯થી તિબેટના અધિકારો માટે લડી રહી છે. જોકે, શી જિનપિંગના હાર્ટ એટેક અંગેના આ દાવાની સત્તાવાર કે સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ નિવેદને વૈશ્વિક સ્તરે મોટો ચર્ચાનો વિષય ઊભો કર્યો છે.

(6:53 PM IST)