<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દિલ્હી હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી દરમિયાન ભારે હોબાળો: ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈએ પોર્ન વીડિયો ચલાવી દીધો, હાઈકોર્ટ પ્રશાસન એક્શનમાં

વીડિયો કોન્ફરન્સમાં વારંવાર અશ્લીલ કન્ટેન્ટ અને વિચિત્ર સંગીત પ્લે કરાતા કાર્યવાહી ખોરવાઈ; દિલ્હી પોલીસના સ્પેશિયલ યુનિટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

નવી દિલ્હી: દેશની રાજધાનીની પ્રતિષ્ઠિત દિલ્હી હાઈકોર્ટમાં આજે એક અત્યંત શરમજનક ઘટના બની છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં જ્યારે મહત્વના કેસોની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક વીડિયો કોન્ફરન્સ (VC) ના સ્ક્રીન પર કોઈ અજાણ્યા સહભાગી દ્વારા અશ્લીલ સામગ્રી (પોર્નોગ્રાફિક કન્ટેન્ટ) પ્લે કરી દેવામાં આવી હતી. આ અણધારી ઘટનાને કારણે કોર્ટની કાર્યવાહીમાં ભારે ખલેલ પડી હતી અને અંતે ઓનલાઈન સુનાવણી બંધ કરવાની ફરજ પડી હતી.
ઘટનાની વિગતો મુજબ, ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠ બપોરે 12:56 વાગ્યે કેસોની સુનાવણી કરી રહી હતી. બુધવારનો દિવસ હોવાથી કોર્ટમાં જાહેર હિતની અરજીઓ (PIL) પર સુનાવણી ચાલતી હતી અને લિસ્ટમાં આશરે 100 જેટલા કેસો હતા. આ દરમિયાન 'Shjit Singh' નામના આઈડીથી લોગ-ઈન થયેલા એક યુઝરે અચાનક સ્ક્રીન પર વાંધાજનક વીડિયો અને વિચિત્ર સંગીત વગાડવાનું શરૂ કર્યું હતું.
કોર્ટ સ્ટાફે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ બંધ કરી દીધી હતી. જોકે, થોડી મિનિટો બાદ જ્યારે ફરીથી લિંક શરૂ કરવામાં આવી, ત્યારે તે જ શખ્સે ફરીથી આ શરમજનક કૃત્યનું પુનરાવર્તન કર્યું હતું. વારંવાર થયેલા આ સાયબર હુમલાને કારણે કોર્ટે ઓનલાઈન કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને કારણે ન્યાયિક પ્રક્રિયામાં રોકાયેલા વકીલો અને અરજદારોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.
હાઈકોર્ટ પ્રશાસને આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર એક્સપર્ટ્સ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ કૃત્ય પાછળ કોણ છે અને શું કોઈએ જાણીજોઈને હાઈકોર્ટની સુરક્ષા સિસ્ટમમાં સેંધ મારી છે. કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડનારા આ શખ્સ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

(6:34 PM IST)