તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
મુંબઈના ખારમાં ભારે હોબાળો: પ્રખ્યાત કોમેડિયન સમય રૈનાના મિત્ર બલરાજ ઘાઈની હોટેલ પર ફૂટપાથ પચાવી પાડવાનો આક્ષેપ, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
જાહેર ફૂટપાથને બનાવી દીધો ‘પ્રાઇવેટ પાર્કિંગ ઝોન’: યુનિકોન્ટિનેન્ટલ હોટેલના આડોડાઈભર્યા વર્તનથી રાહદારીઓ પરેશાન, BMC અને ટ્રાફિક પોલીસની લાચારી સામે નાગરિકોનો આક્રોશ

મુંબઈ, તા.૨૨: માયાનગરી મુંબઈના પોશ ગણાતા ખાર (Khar) વિસ્તારમાં આવેલી જાણીતી ‘યુનિકોન્ટિનેન્ટલ હોટેલ’ (Unicontinental Hotel) એક મોટા કાનૂની અને સામાજિક વિવાદમાં ફસાઈ ગઈ છે. ખાર રેલ્વે સ્ટેશનથી માંડ ૧૦૦ મીટર દૂર આવેલી આ હોટેલના મેનેજમેન્ટ પર સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે હોટેલે પોતાના વીઆઈપી મહેમાનો અને અંગત ગાડીઓના પાર્કિંગ માટે જાહેર જનતાના ઉપયોગની ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો છે, જેના કારણે રાહદારીઓને ટ્રાફિકની વચ્ચે જીવના જોખમે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે.
સેલિબ્રિટી કનેક્શનના લીધે મામલો ગરમાયો
આ વિવાદે સોશિયલ મીડિયા પર એટલે વધુ જોર પકડ્યું છે કારણ કે આ હોટેલનું સંચાલન મનોરંજન જગત સાથે જોડાયેલા જાણીતા ઘાઈ પરિવાર દ્વારા થાય છે. હોટેલના ચેરમેન પરમજીત સિંહ ઘાઈ છે, જ્યારે તેમનો પુત્ર બલરાજ સિંહ ઘાઈ કલાકારો અને સ્ટેન્ડ-અપ કોમિક્સ વર્તુળમાં અત્યંત લોકપ્રિય છે. બલરાજ ઘાઈ ખારમાં ‘ધ હેબિટેટ’ (The Habitat) નામનું લોકપ્રિય મનોરંજન સ્થળ ચલાવે છે. દેશના સુપરસ્ટાર કોમેડિયન સમય રૈના (Samay Raina) સાથેની તેની ગાઢ મિત્રતા અને તાજેતરમાં ‘લેટેન્ટ’ શો સાથે જોડાયેલા વિવાદોને કારણે આ મિલકત સતત ચર્ચામાં રહી છે, ત્યારે હવે ફૂટપાથ અતિક્રમણના આક્ષેપોએ ઘાઈ પરિવારની મુશ્કેલીઓ વધારી દીધી છે.
૨૦૧૮ થી ચાલે છે આ ગેરકાયદેસર રમત!
સ્થાનિક નાગરિકો અને 'ખાર સિટીઝન્સ કલેક્ટિવ'ના સભ્યોના જણાવ્યા અનુસાર, હોટેલ બહાર ફૂટપાથ પચાવી પાડવાનો આ ખેલ છેલ્લા છ મહિનાથી કે એક વર્ષથી નહીં, પરંતુ વર્ષ ૨૦૧૮ થી સતત ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કપિલ સામત નામના રહેવાસીએ ૨૦૧૮ ના ફોટોગ્રાફ્સ શેર કરીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મુંબઈ ટ્રાફિક પોલીસને ટેગ કર્યા હતા. હોટેલે ફૂટપાથ પર કાયમી બ્લોક્સ, બેન્ચ અને ધ્વજસ્તંભ લગાવીને તેને પોતાના પ્રાઇવેટ કેમ્પસ જેવું લુક આપી દીધું છે. અનેક ફરિયાદો છતાં વહીવટીતંત્ર દ્વારા માત્ર ક્યારેક જ નાનો-મોટો દંડ કરીને સંતોષ માની લેવાય છે, જેના કારણે હોટેલના સંચાલકો બેફામ બન્યા છે.
નાગરિકોને ધમકાવવાનો પણ લાગ્યો સનસનીખેજ આરોપ
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે નાગરિક સંસ્થાએ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP ઝોન IX) ને સત્તાવાર પત્ર લખીને હોટેલના કર્મચારીઓ સામે ગંભીર ફરિયાદ નોંધાવી. રહેવાસીઓનો આરોપ છે કે જ્યારે પણ કોઈ જાગૃત નાગરિક કે રાહદારી હોટેલના સંચાલકોને ફૂટપાથ પરથી ગાડીઓ હટાવીને રસ્તો ખાલી કરવાની વિનંતી કરે છે, ત્યારે હોટેલના બાઉન્સર્સ અને પ્રતિનિધિઓ સામાન્ય જનતાને બિભત્સ ગાળો આપે છે અને તેમને જોઈ લેવાની ધમકીઓ આપીને ડરાવે છે.
સહાનુભૂતિ મેળવ્યા બાદ હવે કાયદાના સકંજામાં
વિડંબના એ છે કે ગયા વર્ષે એક કોમેડી શોના વિવાદ બાદ કેટલાક રાજકીય તત્વો દ્વારા આ જ હોટેલ પર હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી, તે સમયે મુંબઈની જનતા અને નેટીઝન્સે હોટેલ પ્રશાસનને ભારે ઓનલાઈન સપોર્ટ અને સહાનુભૂતિ આપી હતી. પરંતુ હવે જાહેર મિલકત પચાવી પાડવાના અને કાયદાનું ઉલ્લંઘન કરવાના આ લેટેસ્ટ અહેવાલો સામે આવ્યા બાદ જનતાનો મૂડ બદલાયો છે. આ સમગ્ર વિવાદ અંગે મીડિયા દ્વારા હોટેલ મેનેજમેન્ટનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ મૌન સેવી લીધું છે અને હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જારી કરી નથી.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
