હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
HDFC બેંકમાં ગોપનીય માહિતી લીક થવાના અહેવાલથી ભારે ખળભળાટ: બે વરિષ્ઠ અધિકારીઓ પર સંવેદનશીલ માહિતી બહાર મોકલવાનો આક્ષેપ, આંતરિક તપાસ શરૂ
બેંકની આંતરિક સમીક્ષાના તારણો સપાટી પર આવ્યા બાદ શિસ્તભંગના પગલાં લેવાની તૈયારી, બેંક પ્રવક્તાએ આચારસંહિતા અને નીતિગત નિયમો અનુસાર કડક કાર્યવાહીની આપી ખાતરી.

મુંબઈ, તા.21: દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેંકમાં ગોપનીય અને સંવેદનશીલ વ્યાવસાયિક માહિતી બહાર લીક થઈ હોવાના સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા બાદ બેંક તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે, ૨૧ ઓક્ટોબરના રોજ સત્તાવાર નિવેદન જારી કરીને HDFC બેંકે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના સંભવિત ઉલ્લંઘન અને ગોપનીયતાના ભંગ સંબંધિત આ સમગ્ર મામલાની હાલમાં ઉચ્ચ સ્તરીય આંતરિક સમીક્ષા ચાલી રહી છે, અને તપાસના અંતિમ તારણોના આધારે દોષિતો સામે આકરા પગલાં લેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ અનુસાર, આ સમગ્ર ઘટનાની જાણકારી ધરાવતા સૂત્રોએ ખુલાસો કર્યો છે કે બેંકના બે વરિષ્ઠ અધિકારીઓએ બેંકની અત્યંત ગોપનીય વ્યાવસાયિક વ્યૂહરચનાઓ અને શેરબજાર પર સીધી અસર કરી શકે તેવી પ્રાઈસ-સેન્સિટિવ માહિતી બહારની બિન-અધિકૃત વ્યક્તિઓને પહોંચાડી હતી. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ બેંકના જ કેટલાક જાગૃત અધિકારીઓએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેના આધારે આ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે આંતરિક તપાસ દરમિયાન સામે આવેલા ચોંકાવનારા તારણો અંગે આ વર્ષની શરૂઆતમાં જ બેંકના વરિષ્ઠ મેનેજમેન્ટ અને બોર્ડના કેટલાક સભ્યોને વિસ્તૃત જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બંને આરોપી વરિષ્ઠ અધિકારીઓને પણ તપાસના તારણો વિશે સત્તાવાર રીતે પત્ર પાઠવીને સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જોકે, તેમની સામે કયા ચોક્કસ શિસ્તભંગના કાયદાકીય કે વહીવટી પગલાં લેવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં HDFC બેંકના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમારી બેંક પોતાના 'કોડ ઓફ કન્ડક્ટ' (આચારસંહિતા) હેઠળ નિર્ધારિત નૈતિકતા, શાસન અને ગોપનીયતાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. કોઈપણ સ્તરે નિયમોના સંભવિત ઉલ્લંઘન કે માહિતીની અનધિકૃત આપ-લે અંગેના અહેવાલોને અમે અત્યંત ગંભીરતાથી લઈએ છીએ."
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે બેંકની નિર્ધારિત નીતિઓ અનુસાર તમામ સંબંધિત તથ્યો અને પુરાવાઓ એકત્રિત કરીને તેનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તપાસ પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા અને સામેલ પક્ષોની ગોપનીયતા જાળવવા માટે હાલમાં ચાલી રહેલી સમીક્ષા પર કોઈ ચોક્કસ ટિપ્પણી કરી શકાય નહીં. જોકે, તપાસ પૂર્ણ થતાં જ સામે આવનારા તારણોના આધારે કોઈ પણ શેહશરમ વગર યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય બેન્કિંગ ક્ષેત્રે HDFC બેંક તેની મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ સિસ્ટમ માટે જાણીતી છે. આવા સમયે વરિષ્ઠ અધિકારીઓ સામે જ સંવેદનશીલ ડેટા અને બજારને અસર કરતી માહિતી લીક કરવાનો આક્ષેપ ઉઠતાં નાણાકીય વર્તુળો અને રોકાણકારોમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
