<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

અમેરિકી સેનેટમાં ભારે હોબાળો: પેન્ટાગોને ઈરાન પરના હુમલાનો રિપોર્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો, શું ટ્રમ્પ સરકાર ઈરાનની તાકાત છુપાવી રહી છે?

ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના પરિણામો મુદ્દે સેનેટરો અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ વચ્ચે તીખી તકરાર; ૭૦ ટકા મિસાઈલ ક્ષમતા હજુ પણ અકબંધ હોવાના દાવાથી સવાલો ઉઠ્યા

વોશિંગ્ટન, તા.૧૩: અમેરિકી સેનેટમાં સંરક્ષણ બજેટ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઈરાન સાથેના સંઘર્ષ મુદ્દે પેન્ટાગોનના વલણે મોટો વિવાદ સર્જ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ૧.૫ ટ્રિલિયન ડોલરના સંરક્ષણ બજેટ પરની ચર્ચા દરમિયાન, સેનેટરોએ ઈરાન પર થયેલા અમેરિકી હુમલાઓથી કેટલું નુકસાન થયું છે તેનો સચોટ આંકડો માંગ્યો હતો. જોકે, પેન્ટાગોનના નેતાઓએ યુદ્ધ નુકસાનનું મૂલ્યાંકન (Battle Damage Assessment) જાહેરમાં જાહેર કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા સુનાવણી અત્યંત ગરમાગરમ બની હતી.

"ગુપ્ત માહિતી જાહેર ન કરી શકાય": પેન્ટાગોનનું કડક વલણ

સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેઈન પર સેનેટરોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ડેમોક્રેટિક સેનેટરોએ પૂછ્યું હતું કે શું વહીવટીતંત્રના દાવા મુજબ ઈરાનનું લશ્કરી માળખું ખરેખર નબળું પડ્યું છે? સેનેટર ક્રિસ્ટોફર મર્ફીએ ગુપ્તચર અહેવાલો ટાંકીને દાવો કર્યો હતો કે અઠવાડિયા સુધી ચાલેલા અમેરિકી ઓપરેશન છતાં ઈરાન પાસે હજુ પણ તેની ૭૦ ટકા મિસાઈલ અને ડ્રોન ક્ષમતા સુરક્ષિત છે. આ સવાલના જવાબમાં જનરલ કેઈને કહ્યું હતું કે, "આ કોઈ વર્ગીકૃત સેટિંગ નથી, તેથી હું અહીં ગુપ્તચર સમુદાયના અંદાજો પર ટિપ્પણી કરીશ નહીં."

ભંડોળના ઉપયોગ પર ઉઠ્યા સવાલો

સેનેટર મર્ફીએ દલીલ કરી હતી કે જો સરકાર યુદ્ધની સફળતાના આંકડા છુપાવશે, તો કોંગ્રેસ આ મિશન માટે વધુ ભંડોળ પૂરું પાડવું કે નહીં તેનો નિર્ણય કેવી રીતે લઈ શકશે? તેમણે પારદર્શિતાના અભાવ પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, હેગસેથે સેનેટરો પર લીક થયેલા અહેવાલો પર ભરોસો કરવાનો આરોપ લગાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકાની સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે આયોજિત હતી અને તેનો હેતુ ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવાનો છે.

શું અમેરિકા ઈરાનની બદલો લેવાની શક્તિ માપવામાં થાપ ખાઈ ગયું?

સુનાવણી દરમિયાન સેનેટર બ્રાયન શાટ્ઝે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે શું પેન્ટાગોન ઈરાનની પલટવાર કરવાની ક્ષમતાને ઓછી આંકી રહ્યું છે? તેમણે અમેરિકી સૈન્ય સુવિધાઓને થયેલા નુકસાન અને મિસાઈલ સંરક્ષણ પ્રણાલીઓની ફરીથી તૈનાતી તરફ ઈશારો કરતા કહ્યું કે, "ઘણા ડેટા પોઈન્ટ્સ સૂચવે છે કે અમે આટલી મોટી પ્રતિક્રિયાની અપેક્ષા રાખી નહોતી." જોકે, હેગસેથે આ વાતને ફગાવી દેતા કહ્યું કે પેન્ટાગોન કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હાલમાં આ મુદ્દે અમેરિકી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

(3:31 PM IST)